થાણે-મુલુંડ વચ્ચે વોટર ટનલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષો જૂની અને જર્જરીત થઈ ગયેલી પાણીની પાઈપલાઈનમાં વારંવાર પડતા ભંગાણને કારણે લાખો લિટર પાણી વેડફાઈ જતું હોય છે. તેથી જૂની પાણીની પાઈપલાઈનને સ્થાને પાલિકા હવે પૂર્વ ઉપનગરમાં થાણેના યેવઈ, કશેલી અને મુલુંડ વચ્ચે વોટર ટનલ બાંધવાની છે. વોટર ટનલ ચાલુ કર્યા બાદ પણ જોકે જૂની પાઈપલાઈનને બેક-અપ નેટવર્ક તરીકે ચાલુ જ રાખવાની યોજના છે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર બહાર પડવાના છે.
થાણે અને નાશિક જિલ્લામાં આવેલા જળાશયોમાંથી પાઈપલાઈનના માધ્યમથી પાણી મુંબઈને પૂરું પાડવામાં આવે છે. પાઈપલાઈન જમીનની નીચે નાખવામાં આવેલી છે. હાલ મુંબઈ સહિત થાણેમાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલી રહ્યા છે અને તેના ખોદકામ દરમિયાન પાઈપલાઈનમાં ભંગાણ પડવાના બનાવ વારંવાર બનતા હોય છે. તેથી પાલિકા આ ટનલ જમીનની નીચે ૧૦૦ મીટર નીચે બાંધશે, જેથી તેના ભંગાણની શક્યતા ઘટી જશે.
પાલિકાએ ૨૦૨૪-૨૫ના બજેટમાં આ પ્રોેજેક્ટ માટે ૩૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. હાલ ઘાટકોપર, ટ્રૉમ્બે અને પરેલ વચ્ચે ટનલનું કામ ચાલી રહ્યું છે. જમીનમાં ૧૦૦ મીટર નીચે આ ટનલ હોવાને કારણે તેના લીકેજની અને પાણીના દૂષિત થવાની શક્યતા ઘટી જશે. એ સિવાય પણ પાલિકાએ મરોલ અને માહિમ, મલબાર હિલ અને ક્રોસ મેદાન, વેરાવલી અને યારી રોડ, ગુંદાવલી અને ભાંડુપ કૉમ્પ્લેક્સ વચ્ચે અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની છે. પવઈ, વેરાવલી અને ઘાટકોપર વચ્ચે બે નાની ટનલ બનાવવાનું આયોજન છે.
નોંધનીય છે કે છેલ્લા થોડા મહિનામાં મુંબઈમાં અનેક વખત પાઈપલાઈનના ભંગાણ પડવાના બનાવ નોંધાયા છે, જેમાં ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના અંધેરીમાં વેરાવલી સર્વિસ રિઝર્વિયર ખાતે ૧,૮૦૦ મિ.મિ. વ્યાસની પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભારે લીકેજને કારણે જૂહુ કોલીવાડા, અંધેરી (પશ્ર્ચિમ), ચાર બંગલો, વિલેપાર્લે (પશ્ર્ચિમ) અને જેવીપીડી વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થઈ હતી.
૩૦ નવેમ્બર, ૨૦૨૩ના મેટ્રો લાઈન-છના કાન્ટ્રેક્ટરે વેરાવલી જળાશયના મુખ્ય ઈનલેટ પાઈપલાઈનને નુકસાન પહોંચાડ્યું હતું, તેને કારણે એક કરોડ લિટર પાણીનો વેડફાટ થયો હતો અને તેના સમારકામને ૫૦ કલાકનો સમય લાગ્યો હતો.
૩૦ માર્ચ, ૨૦૨૩ના થાણેના વાગલે એસ્ટેટમાં ખાનગી કૉન્ટ્રેક્ટર દ્વારા ૨,૩૪૫ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનને બે વખત નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેે કારણે ત્રણ મિલિયન લિટર પાણી વેડફાયું હતું અને તેના સમારકામ પાછળ ૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.