આમચી મુંબઈ

મુંબઈ મહાનગપાલિકાની ચૂંટણી ટાણે મુંબઈના આ વિસ્તારમાં પાણીના ધાંધિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલા પશ્ર્ચિમ ઉપનગરમાં પાણીની વધતી જતી તંગીને કારણે સ્થાનિક વિધાનસભ્યો અને સાંસદો પણ દબાણ વધ્યું છે. ઓછા દબાણ સાથે ગંદુ અને અપૂરતું પાણી મળી રહી હોવાની સ્થાનિકોની સતત ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવતી હોવાની નારાજગી સાથે વિધાનસભ્યોના જૂથે ગુરુવારે પાલિકા પ્રશાસન સાથે બેઠક કરી હતી અને પશ્ર્ચિમ ઉપનગરમાં પ્રમાણસર પાણીપુરવઠાની માગણી કરી હતી.

સાથે જ ઝોન મુજબ પાણીના વિતરણના ડેટાનો સંપૂર્ણ ખુલાસો કરીને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની વિનંતી કરી હતી. વર્ષે મુંબઈના પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં ભરાઈ ગયા છે, છતાં પશ્ર્ચિમ ઉપનગરના ગોરેગામથી લઈને દહિસર સુધીના વિસ્તારમાં છેલ્લા અનેક મહિનાઓથી પાણીની સતત અછત વર્તાઈ રહી છે. ગોરાઈ, બોરીવલી સહિતના વિસ્તારોમાં ગંદુ પાણી મળી રહ્યું છે, તેને કારણે બાળકો સહિત સિનિયિર સિટીઝનની તબિયત પણ કથળી હોવાની ફરિયાદ સ્થાનિકો કરતા આવ્યા છે. ગુરુવારે ઉત્તર મુંબઈના વિધાનસભ્યો પાણીની સમસ્યાને મુદ્દે પાલિકાના મુખ્યાલયમાં એડિશનલ કમિશનરને મળ્યા હતા.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ બેઠકમાં વર્તમાન પાણી પુરવઠાનું આયોજન, જૂની પાઈપલાઈનના તાત્કાલિક સમારકામ અને પાણીના સ્રોત વધારવા માટે લાંબા ગાળાની વ્યૂહરચનાને મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમ્યાન પશ્ર્ચિમ ઉપનગરમાં વસતી વધુ હોવા છતાં દક્ષિણ મુંબઈ કરતા આ વિસ્તારમાં નોંધપાત્ર રીતે ઓછું પાણી મળતું હોઈ સમાન પાણી વિતરણને મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બોરીવલીના વિધાનસભ્યએ જણાવ્યું હતું કે તળાવો ભરાઈ ગયા હોવા છતાં પાણીની હાલની અછત અસમાન પાણી વિતરણનું પરિણામ છે. તાજેતરના વર્ષોમાં પશ્ર્ચિમ ઉપનગરની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે પણ પાણી પુરવઠા જેવી આવશ્યક સેવામાં સમાન ધોરણ જાળવી રાખવામાં પ્રશાસન નિષ્ફળ ગયું છે. પ્રશાસન પાસે ઝોન મુજબ પાણીના વિતરણની વિગતવાર ડેટાની માગણી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે અને અમુક જગ્યાએ દૂષિત પાણી પુરવઠો થઈ રહ્યો હોવાની બાબત ચિંતાજનક છે. દહિસરમાં નવી નવી બિલ્ડિંગ બની રહી છે છતાં દક્ષિણ મુંબઈની સરખામણીમાં અહીં ઓછું પાણી મળી રહ્યું છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button