મુલુંડમાં શનિવારે ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુલુંડમાં શનિવારે ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડ (પશ્ર્ચિમ)માં વીણા નગરમાં નવી પાઈપલાઈનનું જોડાણનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી શનિવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે. તેથી નાગરિકોને આ સમય દરમ્યાન પાણી સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.

મુલુંડમાં વીણા નગરમાં યોગી હિલ રોડ પર પ્રસ્તાવિત ડેવલપમેન્ટ પ્લાનિંગ (ડીપી) રોડ પર ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનનું જોડાણનું કામ પ્રસ્તાવિત છે. શનિવાર ૧૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારના ૧૦ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળામાં પાઈપલાઈનનું જોડાણનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામને કારણે ‘ટી’વોર્ડના મુલુંડ (પશ્ર્ચિમ)માં અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

મુલુંડ(પશ્ર્ચિમ)માં મલબાર હિલ રોડ, સ્વપ્નનગરી, વીણા નગર, મૉડલ ટાઉન રોડ, યોગી હિલ રોડ, ઘાટીપાડા, બી.આર. રોડ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. સંબંધિત વિસ્તારના નાગરિકોને આગલા દિવસે પાણીનો સ્ટોક કરી રાખવાની અને પાણી જતનપૂર્વક વાપરવાની સલાહ આપવામાં આવી છે. તકેદારીના પગલારૂપે ત્રણથી ચાર દિવસ દરમ્યાન પાણી ઉકાળીને અને ગાળીને પીવાની પણ સલાહ આપવામાં આવી છે.

જળાશયોમાં ૭૮.૩૦ ટકા પાણી
મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં મંગળવારે સવારના ૧૧,૩૩,૩૪૭ મિલ્યન લિટર (૭૮.૩૦ ટકા) પાણી જમા થઈ ગયું હતું. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૫,૦૮,૧૦૮ એમએલડી (૩૫.૧૧ ટકા) અને ૨૦૨૩ની સાલમાં ૪,૫૦,૯૬૬ એમએલડી (૩૧.૧૬ ટકા) પાણી જમા થઈ ગયું હતું. મુંબઈને આખું વર્ષ પાણીપુરવઠો કરવા માટે સાતેય જળાશયોમાં પહેલી ઑક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ એમએલડી પાણીનો જથ્થો હોવો આવશ્યક છે.

આ પણ વાંચો…દક્ષિણ મુંબઈમાં બુધવારે પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button