બાંદ્રા, પાલી હિલમાં પાણીપુરવઠો આજે પૂર્વવત્ થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાંદ્રામાં બાલગંધર્વ રંગ મંદિર પાસે પાલી હિલ રિઝર્વિયર ઈનલેટમાં ૬૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનમાં અંડરગ્રાઉન્ડમાં મળેલા લીકેજનું સમારકામ શુક્રવારે પણ દિવસ દરમિયાન ચાલુ રહ્યું હતું. તેથી શુક્રવારે પણ બાંદ્રા-પાલીમાં પાણીપુરવઠાને અસર રહી હતી.
પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ બાંદ્રા (પશ્ર્ચિમ)માં બાલગંધર્વ રંગ મંદિર પાસે ૨૪મો રોડ પાલી હિલ રિઝર્વિયર ઈનલેટની જમીનની નીચેની ૬૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનમાં લીકેજ જણાયું હતું. જમીનની નીચે પાઈપલાઈનમાં ત્રણ જગ્યાએ લીકેજ જણાઈ આવ્યું હતું. લીકેજનું સમારકામ ગુરુવાર મોડી રાતથી હાથ ધરાયું હતું અને શુક્રવારે મોડી રાત સુધી પૂરું થઈ શક્યું નહોતું. તેથી શુક્રવારે પણ બાંદ્રા-પાલી હીલમાં પાણીપુરવઠાને અસર થઈ હતી.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ જ આ પાઈપલાઈનમાં લીકેજ હોવાની ફરિયાદ આવી હતી. જોકે ગયા અઠવાડિયે ગુરુવારે અંધેરીમાં સીપ્ઝ પાસે મેટ્રોના ખોદકામ દરમિયાન ૧,૮૦૦ મિ.મિ. વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાને કારણે પશ્ર્ચિમ ઉપનગરના બાંદ્રા, ખારથી લઈને જોગેશ્ર્વરી સુધીના વિસ્તારને પાણીપુરવઠાને ફટકો પડ્યો હતો. તેથી પાલી હિલ રિઝર્વિયર ઈનલેટની પાઈપલાઈનમાં લીકેજ જણાયા બાદ પણ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નહોતું.
અધિકારીના જણાવ્યા મુજબ અંધેરીની પાઈપલાઈનનું સમારકામ પૂરું થયા બાદ પાલી હિલ રિઝર્વિયર ઈનલેટની પાઈપલાઈનમાં રહેલા લીકેજનું સમારકામ હાથ ધરવાની યોજના બનાવવામાં આવી હતી. તે મુજબ ગુરુવારે મોડી રાતથી કામ હાથ ધરવામાં આવ્યું હતું, જે શુક્રવારે પણ મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. તેથી શુક્રવારે પણ બાંદ્રા, ખાર જેવા વિસ્તારમાં પાણીના ધાંધિયા રહ્યા હતા. શનિવારે તબક્કાવાર આ વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થવાની શક્યતા છે.