આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડેમમાં પુરવઠો ઘટતા મહારાષ્ટ્રમાં પાણીની ગંભીર કટોકટી

મુંબઈ: મહારાષ્ટ્રમાં પાણીની કટોકટી પ્રવર્તી રહી છે કારણ કે રાજ્યભરના ડેમોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.72% પર આવી ગયું છે પુણેના ખડકવાસલા, ટેમઘર, પાનશેત અને વારસગાંવ નામના ચાર ડેમ પણ આમાં અપવાદ નથી. હજી તો વરસાદ આવવા પહેલા અડધો એપ્રિલ, પૂરો મે અને જૂનના 10 દિવસો પણ બાકી છે ત્યારે મહારાષ્ટ્રભરમાં પાણીની કટોકટી ગંભીર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના જળ સંસાધન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષની સરખામણીમાં આ ઉનાળો વધુ ગરમ લાગે છે, જેનાથી પાણીની તંગી વધુ વકરી રહી છે. વર્ષે ઓછા વરસાદને કારણે ડેમના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે. હાલમાં, સમગ્ર રાજ્યમાં 138 મોટા ડેમ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.72% હિસ્સો ધરાવે છે જે ગત વર્ષ કરતા 7.1% થી વધુ ઘટાડો દર્શાવે છે.

ગરમીના સ્તરમાં વધારો થતા પાણીની અછતની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગામડાઓ પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે અને પાણીના ટેન્કરની માંગ વધી રહી છે. પુણે શહેરમાં, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) એ અપૂરતા પાણી પુરવઠાની ફરિયાદોને કારણે મર્જ થયેલા 34 ગામોમાં પાણીના ટેન્કરની ટ્રીપ વધારી છે. હાલમાં, પીએમસી સુસ, મહાલુંગે, પિસોલી, હોલકર વાડી, ફુરસુંગી, ઉરુલી અને કટારી જેવા વિસ્તારોમાં પાણીની માંગને પહોંચી વળવા માટે 34 માંથી 11 ગામોમાં 300 પાણીના ટેન્કર અને બાકીના 23 ગામોમાં 800 પાણીના ટેન્કર મોકલી રહી છે. જો કે, પ્રશાસનના પ્રયાસો છતાં આ વિસ્તારોમાં પાણીની તંગી ચાલુ છે. પીએમસીએ પાણીના ટેન્કરની ટ્રીપમાં પણ વધારો કર્યો છે.


પુણે વિભાગના 1,799 ગામોમાંથી મોટાભાગના ગામો હવે ટેન્કર પાણી પુરવઠા પર નિર્ભર છે. એ જ રીતે કોંકણ વિભાગમાં 33 ગામ, નાસિક વિભાગમાં 1,179 ગામ, છત્રપતિ સંભાજીનગર વિભાગમાં 697 ગામ અને અમરાવતી વિભાગના 26 ગામો ટેન્કર પાણી પુરવઠા પર નિર્ભર છે. જોકે, નાગપુર વિભાગે હજી પાણીના ટેન્કરોનો આશરો લીધો નથી.


રાજ્યના વિવિધ વિભાગોમાં ઘટતો જઈ રહેલો જળસંગ્રહ ચિંતાનું કારણ છે. મરાઠવાડા વિભાગના ડેમમાં સૌથી ઓછો 19.36% પાણીનો સંગ્રહ છે. ત્યારબાદ પુણે વિભાગમાં 36.34%, નાગપુર વિભાગમાં 48.84%, અમરાવતી વિભાગમાં 49.62%, નાસિક વિભાગમાં 38.17% અને કોંકણ વિભાગમાં 50.50% પાણીનો સંગ્રહ છે. ડેમમાં મર્યાદિત પાણીનો સંગ્રહ અને પીવાના પાણીની વધતી જતી માંગને જોતાં ખાસ કરીને પુણે, નાસિક અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં સિંચાઈ પર પ્રતિબંધ આવવાની શક્યતા છે.


મહારાષ્ટ્રના 138 મોટા ડેમમાંથી 17 સંપૂર્ણપણે સૂકા છે. 23 ડેમમાં 10% કરતા ઓછો પાણીનો સંગ્રહ છે. 20 ડેમમાં 50% થી વધુ પાણીનો સંગ્રહ છે. જ્યારે બાકીનામાં 20 થી 40% પાણીનો સંગ્રહ છે. આ સૂચવે છે કે રાજ્યમાં આ વર્ષે પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડી શકે છે.


કોયના ડેમમાં માત્ર 47.52% જ ઉપયોગી પાણીનો સંગ્રહ છે જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 50.92% હતો. ચોમાસા દરમિયાન પાણીની માંગમાં વધારો થવાને કારણે વીજ ઉત્પાદન પર મર્યાદાઓ આવી શકે છે. પરિણામે, વીજળી ઉત્પાદનમાંથી પાણીને અન્ય હેતુઓ તરફ વાળવા વિશે ચર્ચા થઈ શકે છે, જેને કારણે ગ્રામીણ વિસ્તારોમાં સંભવિતપણે લોડ શેડીંગ પણ લાગુ કરવામાં આવી શકે છે. કોયના 1,920-મેગાવોટ હાઇડ્રોલિક પાવર જનરેટ કરે છે. જો પાણીનું સ્તર નીચે જાય તો તેની અસર વીજ ઉત્પાદન પર પણ પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button