મહારાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, મળ્યા નવા અહેવાલ
પુણે: મહારાષ્ટ્ર જ નહીં, દેશભરમાં ‘અલ નીનો’ની અસર થઈ રહે છે, જેમાં દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે રાજ્યના છ વિભાગના ડેમમાં પાણીનો સંગ્રહ ઘટીને ૬૬.૩૧ ટકા થઈ ગયો છે. ગયા વર્ષે આ જ સમયે પાણીનો સંગ્રહ ૮૭.૧૦ ટકા હતો. તેની સરખામણીમાં આ વર્ષે પાણીનો સંગ્રહ ૨૦ ટકા ઓછો છે.
પુણે, નાગપુર, અમરાવતી, છત્રપતિ સંભાજીનગર, નાસિક અને કોંકણ એમ રાજ્યના છ વિભાગોમાં ૨૫૯૫ નાના, મધ્યમ અને મોટા ડેમ પ્રોજેક્ટ્સ છે. રાજ્યમાં ડેમના પાણીનો ઉપયોગ ખેતીવાડી, નાગરિકો દ્વારા પીવા અને ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. આ વર્ષે કેટલાક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ડેમ ૧૦૦ ટકા ભરાયા નથી.
હાલમાં રાજ્યના કોંકણ વિભાગના ડેમોમાં સૌથી વધુ ૮૨.૬૩ ટકા પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે આ જ સમયે આ વિભાગમાં ૮૩.૧૫ ટકા પાણીનો સંગ્રહ થયો હતો. છત્રપતિ સંભાજીનગર વિભાગમાં હાલમાં રાજ્યમાં સૌથી ઓછો ૩૭.૬૩ ટકા પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે ૮૭.૩૧ ટકા હતો. નાગપુર ડિવિઝનમાં ૭૧.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે. ગયા વર્ષે તે ૭૯.૪૬ ટકા હતો.
પુણે વિભાગમાં પણ જળ સંગ્રહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષે આ વિભાગમાં ૮૮.૦૮ ટકા પાણીનો સંગ્રહ હતો. આ વર્ષે તે ૭૦.૩૯ ટકા છે. નાસિક ડિવિઝનમાં ગયા વર્ષના ૮૯.૮૯ ટકાની સરખામણીમાં હાલમાં ૭૦.૬૧ ટકા પાણીનો સંગ્રહ છે.