રીઢા ચોરને પકડવા પોલીસ બન્યા વૉચમેન અને લિફ્ટમેન!

મુંબઈ: રાતના સમયે બંધ દુકાનોનાં શટર તોડી ચોરી કરનારા રીઢા ચોરને પકડવા પોલીસ અધિકારીઓ એસઆરએના અધિકારી, વૉચમેન અને લિફ્ટમેન બન્યા હતા. મલાડની ઈમારતમાંથી પૂરતી માહિતી મેળવ્યા પછી પોલીસે કાંદિવલીની ગૅસ એજન્સીમાં ચોરી કરનારા સગીર સહિત બે જણને પકડી પાડ્યા હતા.
ચારકોપ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિકાસ કાંબળે (27) તરીકે થઈ હતી. આ કેસમાં 16 વર્ષના તેના સાથીને પણ તાબામાં લેવાયો હતો. પુણેના પિંપરી-ચિંચવડ ખાતે રહેતા બન્ને આરોપી છેલ્લાં ત્રણ મહિનાથી મલાડમાં ભાડેના ફ્લૅટમાં રહેતા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર ચોરીની ઘટના 17 નવેમ્બરની રાતે કાંદિવલી પશ્ચિમમાં બની હતી. એક ગૅસ એજન્સીનું શટર તોડી આરોપી અઢી લાખની રોકડ ચોરી ફરાર થઈ ગયા હતા. બીજે દિવસે ચોરીની જાણ થતાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસે ઘટનાસ્થળ તેમ જ અન્ય પરિસરોમાંના 150થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીને ઓળખી કાઢ્યા હતા. આરોપી મલાડ પશ્ર્ચિમની એસઆરએની એક ઈમારતમાં રહેતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જોકે તેમની વધુ વિગતો અને કયા ફ્લૅટમાં રહે છે તેની જાણકારી મેળવવા પોલીસ અધિકારીઓ એસઆરએ ઑફિસર, વૉચમેન અને લિફ્ટમેન બન્યા હતા. આરોપીઓના રહેઠાણની ખાતરી થતાં તેમને તાબામાં લેવાયા હતા.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મુંબઈનાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા આઠ ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. એ સિવાય અંધેરી, બાન્દ્રા, જૂહુ, ચેમ્બુર, થાણે, તુર્ભે અને વાશી પોલીસની હદમાં બનેલી ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાનું કહેવાય છે.