આમચી મુંબઈ

મશીન અને ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ખામી સર્જાઈને આગ લાગવાના બનાવ બાદ શિવડીની ટીબી અને કસ્તુરબા હૉસ્પિટલના વોર્ડ બનશે ફાયરપ્રૂફ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ હવે પોતાની તમામ હૉસ્પિટલમાં આગ પ્રતિબંધક ઉપાયયોજનાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બહુ જલદી શિવડીની ટીબી હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલમાં ઓપીડી સહિત આઈસીયુ, આઈસોલેશન વોર્ડમાં સ્મોક ડિટેક્ટર્સ, એક્સટ્રેક્ટર સિસ્ટમ બેસાડવામાં આવવાની છે.

રાજ્યની અનેક હૉસ્પિટલો અને પ્રસુતીગૃહમાં આગ લાગવાની દુર્ઘટનાથી ગૂંગળાઈ જવાથી દર્દીઓના મૃત્યુ થયા હોવાનો બનાવ નોંધાયા છે, ત્યારે પાલિકાએ હવે પોતાની હૉસ્પિટલોને ફાયરપ્રુફ કરવાની યોજના બનાવી છે. પાલિકા સંચાલિત શિવડીમાં આવેલી ટીબી હૉસ્પિટલ અને ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલના જુદા જુદા વિભાગ તેમ જ વોર્ડ, આઈસીયુ સહિત જુદા જુદા મેડિકલ સાધનો અને ઈલેક્ટ્રિક સિસ્ટમ આવેલી છે.

મશીન અને ઈલેક્ટ્રિક સિસ્ટમ મોટા પ્રમાણમાં કામ કરતા હોય ત્યારે તેમા ખામી સર્જાઈને આગ લાગવાના બનાવ બની શકે છે અને દર્દીના જીવ સામે જોખમ ઊભું થઈ શકે છે. આવા સમયે આગ લાગ્યા બાદ દર્દીઓને બહાર કાઢવાનું મુશ્કેલ થતું હોય છે અને આવી પરિસ્થિતિમાં આગને કારણે લાગેલા ધુમાડાને કારણે ગૂંગળાઈ જવાથી દર્દીના મૃત્યુની શક્યતા છે. તેથી ટીબી હૉસ્પિટલ અને કસ્તુરબા હૉસ્પિટલમાં કેઝ્યુલટી વોર્ડ, આઈસીયુ, બર્ન ઓટી, આઈસીયુ ઓપીડી, પીસીઆર લૅબ, આઈસોલેશન વોર્ડ જેવા ઠેકાણે આગ લાગીને નીકળેલા ધુમાડાને બહાર કાઢવા માટે સ્મોક ડિટેક્ટર, એક્સટ્રેક્ટર સિસ્ટમ બેસાડવાનો નિર્ણય પાલિકાએ લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button