આમચી મુંબઈ

ગુજરાતીઓ વિરુદ્ધ લડાઇ?અસામાજિક તત્ત્વોએ ગુજરાતીમાં લખાયેલું‘મારું ઘાટકોપર’ લખાણ તોડી પાડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુજરાતીઓ વિરુદ્ધનો મામલો ફરી એક વખત સામે આવ્યો છે. ઘાટકોપરમાં રસ્તાના સર્કલ પર લગાવવામાં આવેલા ગુજરાતી લખાણ ‘મારું ઘાટકોપર’ શનિવારે રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાના‘ એન વોર્ડ’ દ્વારા આ પ્રકરણની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ઘાટકોપરમાં પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા પુલ પાસે રહેલા ટ્રાફિક બેટ પર ગુજરાતી લિપિમાં ‘મારું ઘાટકોપર’ એમ લખાણ લખવામાં આવ્યું હતુંં. આ લખાણને કોઇ રાજકીય પક્ષથી સંકળાયેલા લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ઘટના બાદ ગુજરાતીઓ વિરુદ્ધ લડાઇ છેડવામાં આવી છે કે શું? એવો સવાલ ઊભો થયો છે. જોકે મોટાભાગના ઘાટકોપરના નાગરિકો જ નહીં, પણ રાજકીય નેતાઓએ પણ ગુજરાતીમાં લખવામાં આવેલા નામને તોડી પાડવાના કથિત પ્રકરણને ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવ્યો હતો.

ઘાટકોપરના ભૂતપૂર્વ મહિલા નગરસેવિકાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પૂર્વ-પશ્ર્ચિમને જોડનારા આ પુલ પાસેના ચોક પાસે ફક્ત ગુજરાતી ભાષામાં જ નહીં, પણ મરાઠી અને હિન્દીમાં પણ નામ લખવામાં આવ્યું છે. ગુજરાતીમાં લખવામાં આવેલા નામને તોડી પાડીને ખોટી રીતે તણાવ ઊભો કરવાનું કામ અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘાટકોપરની આવી સંસ્કૃતિ નથી. અહીં છેલ્લાં છ-સાત વર્ષથી આ જગ્યાએ નામ લખવામાં આવી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે અહીં બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો તે હેઠળ જ ત્રણેય ભાષામાં નામ લખવામાં આવ્યા છે. આ રીતે નામના બોર્ડને તોડીને તેઓ સરકારના જ પૈસા વેડફી રહ્યા છે અને નુકસાન કરી રહ્યા છે. ચૂંટણી આવે ત્યારે જ જાતિના નામના મુદ્દા ઊભા કરીને વોટ બેંક ઊભી કરવાનું કામ કરતા હોય છે. દરેક ભાષા વિશે અમને સન્માન છે, પણ ખોટી રીતે વિવાદ ઊભો કરીને ઘાટકોપરના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઘાટકોપરના અન્ય એક ભૂતપૂર્વ નગરસેવકે કહ્યું હતું કે ઘાટકોપર એક સાંસ્કૃતિક નગરી છે. ખોટી રીતે વિવાદ ઊભો કરીને લોકોમાં વેર-ઝેર ફેલાવવું ખોટું છે. વર્ષોથી અહીં આ નામ લખવામાં આવ્યા છે ત્યારે કોઇએ વાંધો ઉઠાવ્યો નથી અને હવે રાતોરાત તેમને નામ સામે વાંધો પડ્યો છે. આ ફક્ત ચૂંટણીલક્ષી મુદ્દો છે.

‘એન’ વોર્ડ ઘાટકોપરના પાલિકાના અગ્રણી અધિકારીએ નામ નહીં આપવાની શરતે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ પૂરા પ્રકરણની તપાસનો આદેશ અપાયો છે. જોકે પાલિકા દ્વારા જે પણ બ્યુટિફિકેશનના કે કોઇ પણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે તે સત્તાવાર રીતે મંજૂર કરાવ્યા બાદ જ અમલમાં મૂકવામાં આવે છે. ઘાટકોપર પુલ પાસે ઊભા કરવામાં આવેલા ટ્રાફિક બેટ પાસે ગુજરાતીની સાથે જ મરાઠી અને હિન્દીમાં પણ લખવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button