વાનખેડે સ્ટેડિયમની `હાફ સેન્ચુરી’ નિમિત્તે આવતા મહિને એમસીએની શાનદાર ઉજવણી…

મુંબઈઃ રાષ્ટ્રના ગૌરવ સમા મુંબઈના વાનખેડે સ્ટેડિયમને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આગામી જાન્યુઆરીમાં એક અઠવાડિયા સુધી એની શાનદાર ઉજવણી કરવામાં આવશે. મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) દ્વારા આ ગ્રેન્ડ સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : સંજય રાઉતના બંગલોની બે મોટરસાઇકલ સવારોએ રૅકી કરી: પોલીસે તપાસ આદરી…
એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇકે કરેલી જાહેરાત મુજબ 2025ની 12મી જાન્યુઆરીએ આ ઉજવણી શરૂ થશે અને 19મી જાન્યુઆરીએ આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં ડોમેસ્ટિક ક્રિકેટના તેમ જ દેશ-વિદેશના ક્રિકેટ-લેજન્ડ્સ હાજરી આપશે.
એ દિવસે મુંબઈના સિંગર અવધૂત ગુપ્તે તથા સંગીતકાર બેલડી અજય-અતુલના કાર્યક્રમો સાથે એક ભવ્ય લેસર શો પણ યોજાશે.
વાનખેડેની 50મી વર્ષગાંઠ નિમિત્તે એમસીએ દ્વારા તાજેતરમાં ખાસ લોગો બહાર પાડવામાં આવ્યો હતો અને પ્રમુખ નાઇકે જાહેરાત કરી છે કે 19મી જાન્યુઆરીએ સ્ટેડિયમના સમૃદ્ધ વારસાને માન આપવા ખાસ ટપાલ ટિકિટ તથા કૉફી ટેબલ બુક પણ રિલીઝ કરવાની યોજના છે.
આ ખાસ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ મહારાષ્ટ્ર સરકારમાં નવા કૅબિનેટ મિનિસ્ટર બનેલા ભૂતપૂર્વ એમસીએ-પ્રમુખ આશિષ શેલારનું બહુમાન પણ કરવામાં આવશે. 12મી જાન્યુઆરીએ એમસીએના અધિકારીઓ તથા કૉન્સલ જનરલ્સ, અમલદારો વચ્ચે ક્રિકેટ મૅચ રખાશે. એમસીએ દ્વારા 15મી જાન્યુઆરીએ ગ્રાઉન્ડ્સમેન તથા સિક્યૉરિટી ગાર્ડ્સનું પણ સન્માનિત કરીને તેમના માટે સ્પેશિયલ લંચનું આયોજન પણ કરાશે.
વાનખેડેમાં 19મી જાન્યુઆરીના ભવ્ય શોની ટિકિટ ખરીદી શકાશે અને એના દર 300થી અંદાજે 1,000 રૂપિયા સુધીના રહેશે.
આ પણ વાંચો : કુર્લામાં આટલા ગેરકાયદે બાંધકામ પર બીએમસીનો હથોડો…
ઉલ્લેખનીય છે કે એમસીએ દ્વારા ટૂંક સમયમાં ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરના 75મા જન્મદિનની ઉજવણી કરવામાં આવશે.