ભુલાભાઈ દેસાઈ રોડના પબ્લિક પાર્કિંગથી મંદિર સુધી વોક-વે
મહાલક્ષ્મી મંદિરમાં આવનારા ભક્તોને મોટી રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાલક્ષ્મી મંદિરે આવનારા ભક્તોને મોટી રાહત થઈ છે. દક્ષિણ મુંબઈના ભુલાભાઈ દેસાઈ રોડ પર હાલ અસ્તિત્વમાં રહેલા પબ્લિક પાર્કિંગથી લઈને મહાલક્ષ્મી મંદિર સુધી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત કરેલી ભરણી હેઠળ મળેલી જગ્યા પર મુંબઈ મહાનગરપાલિકાએ વોક વે (રસ્તો) બાંધ્યો છે, તેને કારણે ભક્તોને મંદિર સુધી પહોંચવામાં હવે રાહત થવાની છે.
ભક્તો માટે બનાવવામાં આવેલા વોક-વેનું રવિવારે નવરાત્રીના પ્રથમ નોરતે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ભુલાભાઈ દેસાઈ જે કેડબરી જંકશન તરીકે ઓળખાય છે ત્યાં મહાલક્ષ્મી મંદિર આવેલું છે. મંદિરમાં દરરોજ સરેરાશ ૭૦,૦૦થી વધુ ભક્તો આવતા હોવાનો અંદાજ છે અને નવરાત્રીમાં ભક્તોની આ સંખ્યા પાંચ લાખની આસપાસ પહોંચી જતી હોય છે. જોકે ભુલાભાઈ દેસાઈ રોડ પર રહેતા ભારે ટ્રાફિક અને વાહનોની અવરજવરને કારણે ભક્તોને રસ્તો ક્રોસ કરીને મંદિર સુધી પહોંચવામાં ભારે અડચણનો સામનો કરવો પડે છે.
રસ્તો ક્રોસ કરીને મંદિર પહોંચવાથી લઈને મંદિરમાં જવા માટે ઉમટતી ભક્તોની ભીડનું વ્યવસ્થિત રીતે નિયંત્રણ કરી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકા મહાલક્ષ્મી મંદિરમાં એકથી વધુ પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટને વધારવા માટે પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત રવિવારે ખુલ્લો મૂકવામાં આવેલો વોક-વે છ મિટર પહોળો અને ૩૦૦ મિટર લાંબો છે, જે ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા પબ્લિક પાર્કિંગથી મહાલક્ષ્મી મંદિરને જોડનારો બનાવવામાં આવ્યો છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ ભક્તો પોતાના વાહનો પબ્લિક પાર્કિંગમાં પાર્ક કરીને આ રસ્તા પરથી મંદિરમાં પહોંચી શકશે. સિનિયર સિટિઝન અને દિવ્યાંગ સહિતના જરૂરિયાતમંદ લોકો માટે બેટરી ઑપરેટેડ કારની પણ વ્યવસ્થા આ નવા રસ્તા પર કરવામાં આવી છે.