શાયર અમરભાઇ પાલનપુરીને ‘વલી’ ગુજરાતી પારિતોષિક
મુંબઇ: રવિવાર તા.૧૧ ફેબ્રુઆરીના દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીના પદાધિકારીઓ ખુદ સુરત આવ્યા અને ૮૯ વર્ષના શાયર અમરભાઇ પાલનપુરીને ‘વલી’ ગુજરાતી પારિતોષિકથી સન્માનિત કર્યા. મંત્રી હર્ષ સંઘવીના હાથે સન્માનિત થયાં બાદ અમરભાઇએ જે પ્રત્યુત્તર આપ્યો તેમાં વધુ તો ગુરુ શૂન્ય પાલનપુરી તરફનો તેમનો આદરભાવ જ પ્રગટ્યો. તેમણે આ અવોર્ડ ગુરૂવર્ય શૂન્ય પાલનપુરીને અર્પણ તો કર્યો જ, સાથે સાથે તેમને ધનરાશિરૂપે જે એક લાખનો ચેક અપાયો હતો એ પણ તેમણે શૂન્ય પાલનપુરીના દીકરા તસ્લિમખાનને સમારંભ સ્થળે જ અર્પિત કર્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, ડૉ. મુકુલ ચોકસી, રવીન્દ્ર પારેખ, કદીરભાઇ પિરઝાદા જેવા ઘણા અગ્રણીઓ તેમ જ કવિઓ અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર હતા.
ગુજરાતી ગઝલની પરંપરામાં બહુ ઓછા શાયર છે જે પોતાની ગઝલને તરન્નુમ(રાગમાં)માં ગાતા હોય. અમરભાઇએ આ ઉંમરે પણ સમારોહમાં પોતાની ગઝલ તરન્નુમમાં સંભળાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અમરભાઇના બે ગઝલસંગ્રહો,‘ઉઝરડો’ અને ‘રૂઝ’ પ્રગટ થયા છે.
- રૂપના ચેલા છીએ, ‘શૂન્ય’ના ચેલા છીએ,
વેરમાં પાછળ હશું, પ્રેમમાં પહેલાં છીએ! - દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ આ ખાલી મકાન છે! - કીધા કબૂલ તો યે સજા ના કરી શક્યા,
નિર્દોષતા કેટલી છે મારા ગુનાહમાં!
આ અને આવી અનેક રચનાઓના સ્વામી દિલેર અમર પાલનપુરીને ખૂબ ખૂબ અભિનંદન.
મોડું મોડું પણ ઉચિત વ્યક્તિને જે સન્માન મળ્યું તે જાણીને સહુના મુખ પર આનંદ છવાયો હતો. ઉ