OMG!’મેટ્રો 3′ હમણા ચાલુ નહીં થાય, જાણો કારણ
મુંબઈ: મુંબઇગરાઓ જેની ઘણી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ‘મેટ્રો 3’ અંગે મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. કોલાબાથી સીપ્ઝ મેટ્રો 3 રૂટના ઉદઘાટન માટે મુંબઈગરાઓએ વધુ રાહ જોવી પડશે તેવા સંકેતો છે. રિસર્ચ ડિઝાઈન એન્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા આરેથી BKC સુધીના મેટ્રો 3ના પ્રથમ તબક્કાની મેટ્રો ટ્રેનનું નિરીક્ષણ કર્યાને એક મહિનો વીતી ગયો હોવા છતાં, મેટ્રો રેલ સુરક્ષા કમિશનર (CMRS)ની ટીમ હજુ સુધી મેટ્રો લાઇનના નિરીક્ષણ માટે આવી નથી, જેને કારણે ‘મેટ્રો 3’ હમણા ચાલુ થઇ શકે એમ નથી.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા મેટ્રો 3 લાઇનનું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી રહ્યું છે. તે મુજબ CMRSની ટીમ જુલાઈ મહિનામાં મેટ્રો લાઇનનું નિરીક્ષણ કરવા આવવાની હતી, પણ જુલાઇ મહિનો પૂરો થઇ ગયો હોવા છતાં CMRSની ટીમ હજી સુધી ઇન્સ્પેક્શન માટે આવી નથી. આ ટીમ દ્વારા કડક તપાસ કર્યા બાદ જ મેટ્રો લાઇન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે. ઉપરાંત, જો કોઈ ખામી હોય તો તેમને સુધારવા માટે કહેવામાં આવે છે.
સીએમઆરએસ ટીમ હજુ સુધી આવી ન હોવાથી મેટ્રો લાઇનના પરીક્ષણો પૂર્ણ કરવામાં અને લાઇન શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે.
આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે તાજેતરના ભારે વરસાદમાં મેટ્રોના સ્ટેશન પર પાણી ઘુસવાથી મિલકતને અસર થઈ હતી. મેટ્રો 3 રૂટના ત્રણ સ્ટેશનોમાં વરસાદી પાણી આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસામાં યોગ્ય તકેદારી ન લેવાના કારણે આવું બન્યું હતું. નવા બનેલા મેટ્રો સ્ટેશનમાં મિલકતને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના કામો પૂરા કરવાના બાકી છે. સ્ટેશનોમાં બાંધકામ, સાઈન બોર્ડ લગાવવા સહિતના અનેક કામો હજુ અધૂરા છે, જેના કારણે મેટ્રો લાઇનના પ્રથમ તબક્કાને શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.