રૂ. દસ કરોડના વળતરના દાવા બાદ એરલાઈન્સે આપ્યો આ જવાબ
કોલંબોથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફરે એરલાઈન પાસે રૂપિયા 10 કરોડનું વળતર માગ્યું છે. બીમારીના કારણે મહિલા પેસેન્જર વ્યવસ્થિત રીતે ચાલી નથી શકતાં જેથી તેમણે ફ્લાઈટની ટિકિટ બુક કરતી વખતે વ્હીલચેરની માગણી કરી હતી.
જે એરલાઈને પૂરી ના કરતાં મહિલા પેસેન્જરે ગ્રાહક સુરક્ષા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. જોકે આ મામલે એરલાયન્સે પોતાનું નિવેદન બહાર પાડ્યું છે તેમાં જણાવ્યું છે કે મહિલા પેસેન્જરે પોતાની બીમારી વિશે અગાઉથી જાણ નહોતી કરી. જે દિવસે કોલંબોથી ફ્લાઈટ આવી એ દિવસે મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના થઈ હતી, જેના લીધે ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા અને અવ્યવસ્થા સર્જાઈ હતી. જોકે સ્ટાફે જેમ બને તેમ વહેલી તકે મદદ કરી હતી.
અહેવાલ અનુસાર સમગ્ર ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, એક્યુટ આર્થરાઈટ્રીસથી પીડાતા મોનિકા ગુપ્તા 14 સપ્ટેમ્બરે વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ UK-132 મારફતે કોલંબોથી મુંબઈ આવી રહ્યા હતા. તેમની સાથે તેમના 81 વર્ષીય માતા અને અન્ય સંબંધીઓ હતા. આ પરિવાર કોલંબોમાં વેકેશન ગાળીને પાછો મુંબઈ આવી રહ્યો હતો. ફરિયાદીના ભાઈ મુધિત ગુપ્તાએ કહ્યું કે, તેમણે પોતાની મમ્મી અને બહેન માટે વ્હીલચેર બુક કરાવી હતી તેમ છતાં એરપોર્ટ પર પણ તે મળવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ હોવાના કારણે થોડા સમય માટે રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી સાંજે 4 કલાકે કોલંબોથી ઉપડેલી વિસ્તારાની ફ્લાઈટ હૈદરાબાદ ડાયવર્ટ કરાઈ હતી અને રાત્રે 11 કલાકે મુંબઈ પહોંચી હતી. મુધિત ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે મુસાફરીના કલાકો વધી જવાના કારણે મારી બહેનની તબિયત વધારે ખરાબ થઈ હતી. એરક્રાફ્ટ પાર્કિંગમાં દૂર પાર્ક કરવામાં આવ્યું હતું તેમ છતાં વ્હીલચેર નહોતી આપવામાં આવી. મારી બહેન સીટમાંથી ઊભી થઈ શકે તેવી સ્થિતિ નહોતી તેમ છતાં એરલાઈને તેને ચાલવાની ફરજ પાડી હતી. જાતે ચાલીને પ્લેનમાંથી ઉતરવાનું તેને કહેવામાં આવ્યું હતું. બધા પેસેન્જરો પ્લેનમાંથી ઉતરી ગયા અને ક્રૂ મેમ્બર્સ પણ મારા પરિવારને અંદર જ મૂકીને નીકળી ગયો હતો.
રાત્રે 11.45 કલાકે એક વ્હીલચેરની વ્યવસ્થા થઈ શકી અને એ પછી મારો પરિવાર અંદરથી નીકળ્યો. એ પછી પણ મારા પરિવારને 30 મિનિટ સુધી પેસેન્જર કોચ બસની રાહ જોઈને ઊભા રહેવું પડ્યું. બસ આવ્યા પછી તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
વિસ્તારા એરલાઈને પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે આ કમનસીબ ઘટના હતી અને અમને અફસોસ છે. તે દિવસે મુંબઈ એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ હતી. આ સાથે મહિલાએ તેમની શારીરિક સ્થિતિ વિશે સ્પષ્ટ જણાવ્યું ન હતું. સ્ટાફે બનતા તમામ પ્રયત્નો કરી મદદ કરી હતી.