મુલાકાતીઓ માટે વિધાન ભવનમાં સમય મર્યાદા સત્ર દરમિયાન અઠવાડિયામાં ફક્ત બે દિવસની પરવાનગી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકાર રાહુલ નાર્વેકરે શનિવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ચોમાસું સત્ર દરમિયાન વિધાન ભવનના પરિસરમાં અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ મુલાકાતીઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. ફક્ત મંગળવાર અને ગુરુવારે જ મુલાકાતીઓ વિધાનભવનમાં પ્રવેશ મેળવી શકશે. પરિસરમાં લોકોની ભીડ પર નિયંત્રણ રાખી શકાય અને સુરક્ષા પરનું ભારણ ઓછું કરીને મુખ્ય પ્રધાન તેમ જ પ્રધાનમંડળની સલામતીની ખાતરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાર્વેકરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2023માં ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં સંસદમાં ઝીરો અવર નિમતે બે મુલાકાતીઓ પબ્લિક ગેલરીમાંથી લોકસભા ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને સાથે લાવેલા કેનમાંથી પીળા કલરનો ધૂમાડો છોડીને નારેબાજી કરી હતી. નોંધનીય છે કે એ જ તારીકે 2001માં દિલ્હીમાં સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય એટલે સાવચેતીના પગલારૂપે વિધાનસભામાં મર્યાદિત મુલાકાતીઓ અને સમય મર્યાદાનું બંધન મૂકવામાં આવ્યું છે