આમચી મુંબઈ

આરોગ્ય યંત્રણાના કાયાપલટ માટે વિઝન-૨૦૩૫

૩૪ જિલ્લામાં સુસજ્જ, સુપર સ્પેશિયાલિટી જિલ્લા હૉસ્પિટલ બાંધવાના નિર્દેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થાનો કાયાપલટ કરવાની દિશામાં સોમવારે મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું હતું. સાર્વજનિક આરોગ્ય વિભાગ પાછળના ખર્ચને બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો બાંધવાનો, ગ્રામીણ વિસ્તારની આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે યુદ્ધ સ્તરે પગલાં લેવાનો નિર્દેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો.

આગામી પંદર દિવસમાં સચિવોની સમિતિએ નવી મેડિકલ કોલેજ સંલગ્ન રાજ્યની ૩૪ જિલ્લામાં સર્વસુવિધા યુક્ત જિલ્લા હોસ્પિટલો બાંધવા માટેનો પ્લાન તૈયાર કરવાનો ટાસ્ક આપીને ૨૦૩૫ સુધીમાં આરોગ્ય અને તબીબી શિક્ષણનો વિચાર કરીને રાજ્ય માટે આરોગ્ય માટેનું સર્વાંગી વિઝન તૈયાર કરવા માટેની સમિતિ ગઠિત કરવાના આદેશ તેમણે આપ્યા હતા.

કલેક્ટરોને જિલ્લા આયોજન ભંડોળમાંથી દવાની ખરીદી કરવાના વિશેષાધિકાર આપવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે હવે તેમણે સમય વેડફ્યા વગર જિલ્લા હોસ્પિટલ માટે આવશ્યક દવાઓની તત્કાળ ખરીદી કરવી. આવી જ રીતે ઉપકરણોની ખરીદી દરપત્રકને આધારે કરવી. જીવન રક્ષક (લાઈફ સેવિંગ) અને અત્યાવશ્યક દવાની ખરીદી અલગથી દરપત્રક મગાવીને કરવી એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ સંજોગોમાં કોઈપણ જિલ્લાની હોસ્પિટલમાં દવા નથી એવી ફરિયાદ આવવી જોઈએ નહીં.

મહારાષ્ટ્રમાં તબીબી સામગ્રી અને દવાની ખરીદી માટેની જે ઓથોરિટી બનાવવામાં આવી છે તેના પર તત્કાળ આઈએએસ અધિકારી અને અન્ય આઠ પદો પર અધિકારી નિયુક્ત કરવાનો આદેશ પણ મુખ્ય પ્રધાને આપ્યો હતો. આ ઉપરાંત અન્ય ૪૫ પદ નિર્માણ કરવા માટે નાણાં ખાતાને પ્રસ્તાવ મોકલવામાં આવશે.

રાજ્યમાં અત્યારે આરોગ્ય વિભાગના આઠ સર્કલ છે. વધતી વસ્તી અને દર્દીની સંખ્યાને ધ્યાનમાં લેતાં નવા નવ ઝોન તૈયાર કરવાનો પ્રસ્તાવ તાકીદે રજૂ કરવાનો નિર્દેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો. આવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં ટેલી મેડિસીન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપતાં તેમણે કહ્યું હતું કે આનાથી અન્ય સ્થળે આરોગ્ય યંત્રણા પર પડી રહેલી તાણમાં ઘટાડો થશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button