
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભાના ચાલુ ચોમાસુ સત્રમાં મંજૂર કરાયેલું મહારાષ્ટ્ર વિશેષ જન સુરક્ષા બિલ ડાબેરી પક્ષો અથવા સરકાર વિરોધી અવાજો વિરુદ્ધ નથી, પરંતુ ડાબેરી ઉગ્રવાદને લક્ષ્ય બનાવવા માટે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું.
વિધાનસભામાં વિપક્ષ દ્વારા પ્રાયોજિત અંતિમ સપ્તાહના પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા, ફડણવીસે કહ્યું કે ડાબેરીઓ અને ડાબેરી ઉગ્રવાદ વચ્ચે તફાવત છે, જેમ ઇસ્લામ અને (પ્રતિબંધિત આતંકવાદી જૂથ) આઈએસઆઈએસ વચ્ચે તફાવત છે.
આપણ વાંચો: આ તારીખે શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સરકાર રજૂ કરશે નવા 8 બિલ, વિપક્ષનો કરવો પડશે સામનો…
‘વિશેષ જન સુરક્ષા બિલ એક ઉદાર કાયદો છે. એમસીઓસીએ (મહારાષ્ટ્ર નિયંત્રણ સંગઠિત ગુના કાયદો) વધુ કડક છે. હું બિલનો વિરોધ કરી રહેલા લોકોને કહેવા માગું છું કે તેનો દુરુપયોગ થશે નહીં. નવા કાયદામાં વ્યક્તિઓની ધરપકડ કરવાનો અધિકાર નથી,’ એમ મુખ્ય પ્રધાને ગૃહમાં કહ્યું હતું.
વિપક્ષી નેતાઓએ રાજ્ય સરકાર પર જાહેર સુરક્ષાની આડમાં અસાધારણ કારોબારી સત્તાઓને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગુરુવારે, એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના સમર્થકો મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં મારામારી કરી હતી.
‘સંસદીય શિષ્ટાચાર, આચરણ અને સંદેશાવ્યવહાર જાળવવાની જવાબદારી આપણી છે,’ એમ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું. આવ્હાડ અને પડળકરના સહયોગી, અનુક્રમે નીતિન દેશમુખ અને સરજેરાવ (ઋષિકેશ) ટકલે, આ ઝઘડામાં સામેલ હોવાનું કહેવાય છે અને રાજ્ય વિધાનસભાના સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
આપણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર: મોદી સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ શું હશે? સોનિયા ગાંધીએ બેઠક બોલાવી…
ટકલે વિરુદ્ધ છ ફોજદારી કેસ છે અને દેશમુખનું આઠ કેસોમાં નામ છે, એમ ફડણવીસે જણાવ્યું હતું. ‘આ લોકો વિધાનસભામાં લડે છે. આવા લોકોના કારણે આપણે જનતાને વિધાનસભાની મુલાકાત લેતા રોકી શકીએ નહીં. યોગ્ય સુરક્ષાની જરૂર છે. વિધાનસભા સંકુલમાં જોવા મળતા દરેક વ્યક્તિની ઓળખ હોવી જોઈએ,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
‘જો એક વિધાનસભ્ય ગેરવર્તન કરે છે, તો બધા વિધાનસભ્યોની છબી ખરાબ થઈ જાય છે,’ એમ જણાવતાં ફડણવીસે આત્મનિરીક્ષણની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
રાજ્યની શાળાઓમાં હિન્દી પર ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) દ્વારા તેમને આપવામાં આવેલી પુસ્તિકાનો ઉલ્લેખ કરતાં, ફડણવીસે કહ્યું હતું કે પુસ્તિકામાં માશેલકર સમિતિનો અહેવાલ હોવો જોઈએ જેમાં ધોરણ પહેલાથી બારમા સુધી હિન્દીને ફરજિયાત વિષય બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
‘શિવસેના (યુબીટી)ના એક નેતા પણ સમિતિનો ભાગ હતા. જો તેઓ માશેલકર સમિતિના અહેવાલને સ્વીકારવામાં આવ્યો હોય તેની પ્રેસ ક્લિપિંગ્સ જોડી હોત તો સારું થાત,’ એમ ફડણવીસે તત્કાલીન ઠાકરે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું.