Badlapur Horror: સીસીટીવી કેમેરા બંધ હશે તો શાળાઓનું આવી બનશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

Badlapur Horror: સીસીટીવી કેમેરા બંધ હશે તો શાળાઓનું આવી બનશે

બદલાપુરની ઘટના બાદ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે રાજ્યની શાળાઓમાં ‘વિશાખા’ કમિટી(સમિતી)ઓ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જે શાળાઓમાં સીસીટીવી(ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કેમેરા નહીં હોય અથવા કામ કરતા ન હોય તે શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

કામના સ્થળે શારીરિક-જાતિય સતામણીની ફરિયાદો માટે આંતરિક સમિતીઓ રચવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો અને આ આદેશને સીમાચિહ્નરૂપ માની ‘વિશાખા’ નામ આપવામાં આવ્યું હતું. આવી જ વિશાખા સમિતિઓ શાળા સ્તરે પણ રચવામાં આવશે, તેવી જાહેરાત કેસરકરે કરી હતી. આ સમિતિઓ નવમા, દસમા ધોરણ અને જુનિયર કૉલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા સતામણીની થતી ફરિયાદોને સંબોધશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓ અને કોલેજોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપેલો છે. જોકે, બદલાપુરની જે શાળામાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું એ શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હોવાનું જણાયું હતું. સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે આરોપીએ કરેલા કૃત્યનો નક્કર પુરાવો મળી શક્યો નહોતો.

આ મામલે બેદરકારી દાખવનારા પ્રિન્સિપાલ, શિક્ષકો તેમ જ બે આસિસ્ટન્ટને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

રાજ્યની અન્ય કોઇ શાળા કે કોલેજોમાં સીસીટીવી કેમેરા ન હોવાનું જણાશે તો તેમને પણ નોટિસ ફટકારીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેમ કેસરકરે જણાવ્યું હતું.

Also Read –

Back to top button