વિરારવાસીઓ માટે મોટા ન્યૂઝ, પશ્ચિમ રેલવેનો મહત્ત્વનો પ્રોજેક્ટ પૂરો થવામાં 2 વર્ષ લાગશે!
મુંબઈ: પશ્ચિમ રેલવે ચર્ચગેટ અને વિરાર અને વિરારથી આગળના કોરિડોર પાલઘર અને દહાણુ સુધી લોકલ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પણ લોકલ ટ્રેન શરૂ થતાં અહીંના પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. દહાણુ સુધી મુસાફરી કરતાં પ્રવાસીઓની મુસાફરી વધુ સરળ બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિરાર અને દહાણુ વચ્ચે બે નવી લાઈન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ બે નવી રેલવે લાઈનનું કામકાજ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ જાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના આ કોરિડોરમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ-થ્રી (MUTP) હેઠળ 63 કિલોમીટર લાંબા વિરાર-દહાણુ વચ્ચે નવો કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ કામ માટે રૂ. 3,578 કરોડ રૂપિયાનું ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું છે.
વિરાર-દહાણુ વચ્ચે લોકલ સેવાને શરૂ કરવામાં આવશે. આ સેવામાં હવે વિસ્તાર કરવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે, જેથી આ કોરિડોરમાં વધુ બે રેલવે લાઈન બિછાવવાની શરૂઆત થઈ ગઈ છે.
વિરાર-દહાણુ રોડ સેક્શનમાં બે ટ્રેક પર લોકલ, માલગાડી અને પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવે છે, પણ હવે આ કોરિડોરમાં વધુ બે રેલવે લાઈન નખાતા બોરીવલી અને વિરાર વચ્ચે દોડતી ફાસ્ટ ટ્રેનોની સંખ્યામાં વધારો આવશે અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં લગતા પ્રવાસીઓના સમયમાં પણ ઘટાડો થશે, એમ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રોજેકટ માટે એમઆરવીસીને 29.17 હેક્ટરની પ્રાઇવેટ જમીન. 10.26 હેક્ટરની સરકારી જમીન અને 3.77 હેક્ટરની વન્ય જમીનની જરૂરત હતી. આ દરેક જમીનની પર કામો કરવા માટે મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેજ-2નું ક્લીયરન્સ પણ મળી ગયું હતું. આ કામોને કરવા માટે બોમ્બે હાઇ કોર્ટ દ્વારા રસ્તામાં આવતા મેન્ગ્રોવ્ઝને પણ હટાવવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ થાણે પ્રશાસન દ્વારા પણ જમીન પર મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCIL) દ્વારા પણ 12.8 હેક્ટરની જમીન પર ડેપો બનાવવાના પ્લાનને મંજૂર કરવામાં આવ્યો હતો. આ માર્ગમાં બોઈસરમાં ગુડ્સ માટે ડેપોને તોડવામાં આવવાનો છે. આ જૂના ડેપો તૂટતાં નવો ડેપો ઊભો કરવાની યોજના બનાવી છે.
વિરાર-દહાણુ વચ્ચેની વૈતરણા નદી પર 600 મીટર લાંબો એક રેલવે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજના પિલર નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આ સેક્શનમાં બે મોટા બ્રિજ, 16 મેજર બ્રિજ અને 67 માઇનર બ્રિજ બનાવવાની યોજના છે, જેમાં 60 બ્રિજ અને રેલ અંડર બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે.
વિરાર અને વૈતરણા સ્ટેશન પર સ્ટેશન બિલ્ડિંગ, સર્વિસ બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટર અને પ્લેટફોર્મ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ સાથે પશ્ચિમ રેલવેમાં આવતા કેલવે રોડ, દહાણુ રોડ અને ઊમરોલી સ્ટેશનોના વિસ્તારમાં પણ નવી સર્વિસ ઇમારતોનું કામ કરવામાં આવી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.