Viral Video: AC લોકલમાં નગ્ન અવસ્થામાં ગઠિયો ચઢી આવ્યો, સુરક્ષા મુદ્દે સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે છાશવારે ગંભીર સવાલો ઊભા થતા હોય છે, જેમાં તાજેતરમાં ધોળે દિવસે એસી લોકલમાં નગ્ન અવસ્થામાં પુરુષ ચઢી આવ્યો હતો. સૌથી શરમજનક વાત એ હતી કે રેલવે સ્ટેશનના પરિસરમાંથી લોકલ ટ્રેનમાં પહોંચેલા પુરુષને કોઈ રોકનાર પણ નહોતું.
તાજેતરમાં મુંબઈની એસી લોકલ ટ્રેનમાં ધોળે દિવસે એક પુરુષ નગ્ન અવસ્થામાં ચઢી ગયો હતો. તેને જોઈને મહિલાઓએ બૂમાબૂમ કરી મૂકી હતી અને અમુકે તેને ઉતરી જવાનું કહેવા છતાં આનાકાની કરતો જોવા મળ્યો હતો. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયા લોકોએ રેલવેની ટીકા કરી હતી. લોકલ ટ્રેનમાં બેરોકટોક હરતાં ફરતા ગર્દૂલા પ્રત્યે સુરક્ષા પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
રેલવે અધિકારીએ કહ્યું હતું કે આ બનાવ સોમવારે મધ્ય રેલવેમાં બન્યો હતો. સોમવારે બપોરના સવા ચાર વાગ્યનના સુમારે કલ્યાણ એસી લોકલ ટ્રેનમાં ઘાટકોપર રેલવે સ્ટેશનથી નગ્ન અવસ્થામાં એક શખસ ચઢી ગયો હતો. મહિલાઓએ તેને ઉતરી જવાનું કહેતા કોઈનું કહ્યું માન્યો નહતો.
આ પણ વાંચો : રવિવારે મુંબઈમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હોય તો વાંચી લો મહત્ત્વની માહિતી…
મહિલાઓએ બૂમાબૂમ કર્યા પછી મોટરમેને ટ્રેનને રોકવાની અપીલ કરી હતી. જોકે સદનસીબે મોટેરમેને ટ્રેન રોક્યા પછી બાજુના કોચમાંથી ટીસી (ટિકિટચેકર) દોડી આવ્યો હતો અને એનું ગળું પકડીને ટ્રેનમાંથી ઉતાર્યો હતો. આ બનાવનો વીડિયો વાયરલ થયા પછી રેલવે પ્રવાસી સંગઠને બનાવને વખોડી નાખ્યો હતો. એટલું જ નહીં, રેલવે સુરક્ષાના પ્રશાસને રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં બેરોકટોક ફરતા ભિખારીઓ અને ગર્દુલાઓ સામે આકરી કાયવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.