મહારેરા ક્રમાંક, ક્યુઆર કોડ નિયમોનું ઉલ્લંઘન
૩૭૦ પ્રોજેક્ટ સામે કાર્યવાહી: ૩૩ લાખનો દંડ, ૨૨ લાખ વસૂલાયા
મુંબઈ: રેરા કાયદા અનુસાર કોઈપણ ગૃહ પ્રકલ્પ (હાઉસિંગ પ્રોજેક્ટ)ની જાહેરખબર તેમજ ફ્લેટના વેચાણ માટે મહારેરા નોંધણી ક્રમાંક અને ક્યુઆર કોડ ફરજીયાત છે. એવું હોવા છતાં આ નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરખબર આપનારા ૩૭૦ ગૃહ પ્રકલ્પ વિરુદ્ધ મહારેરાએ દંડાત્મક કાર્યવાહી કરી છે. આ હાઉસિંગ પ્રોજેક્ટોને ૩૩ લાખ દંડ ફટકારવામાં આવ્યો છે જેમાંથી ૨૨ લાખ ૨૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટોને દંડવામાં આવ્યા છે એમાં મુંબઈના ૧૭૩, પુણેના ૧૬૨ અને નાગપુરના ૩૫ પ્રોજેક્ટનો સમાવેશ છે.
બાંધકામ વ્યવસાયમાં પારદર્શકતા લાવવા માટે તેમજ ડેવલપરો દ્વારા ગ્રાહકોની ફસામણી રોકવા માટે કેન્દ્ર સરકારે મહારેરાના માધ્યમ દ્વારા રેરા કાયદાનો અમલ શરૂ કર્યો છે. ગ્રાહકોના હિતની જાળવણી માટે તેમજ ડેવલપરો પર દબાવ રાખવા માટે રેરા કાયદામાં અનેક જોગવાઈઓ રાખવામાં આવી છે. એમાં સૌથી મહત્ત્વની જોગવાઈ છે કે મહારેરા નોંધણી કર્યા વિના કોઈપણ પ્રોજેક્ટના ઘરના વેચાણની તેમજ પ્રોજેક્ટની જાહેરખબર કરી શકાતી નથી. હવે તો ક્યુઆર કોડ પણ ફરજીયાત કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં પણ અનેક ડેવલપરો આજની તારીખમાં સુદ્ધાં આ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી હવે મહારેરાએ આવા પ્રોજેક્ટો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ૩૭૦ પ્રોજેક્ટ મહારેરાના ધ્યાનમાં આવ્યા છે. આ તમામ પ્રોજેક્ટોને બધું મળી ૩૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એમાં સૌથી વધુ પ્રોજેક્ટ મુંબઈ વિભાગમાં (મુંબઈ, થાણા અને કોંકણ) છે. મુંબઈ વિભાગમાં આવા કુલ પ્રોજેક્ટની સંખ્યા ૧૭૩ છે અને એમાંથી ૮૯ પ્રોજેક્ટની જાહેરખબરમાં મહારેરા ક્રમાંક પ્રસિદ્ધ નથી કરવામાં આવ્યો. અન્ય ૮૪ જાહેરખબર ક્યુઆર કોડ વિના પ્રકાશિત કરવામાં આવી છે. આ ૮૯ પ્રોજેક્ટોને ૧૪ લાખ ૭૫ હજાર રૂપિયાનો અને ૮૪ પ્રોજેક્ટોને પાંચ લાખ ૬૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને ખાનદેશ વિભાગમાં સમાવેશ કરવામાં આવેલા પુણે ક્ષેત્રમાં ૧૬૨ પ્રોજેક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ૧૬૨માંથી ૧૦૧ પ્રોજેક્ટ મહારેરા નોંધણી વગર જ્યારે ૬૧ પ્રોજેક્ટની ક્યુઆર કોડ વિના જાહેરખબર આપવામાં આવી છે. આ પ્રોજેક્ટોને અનુક્રમે છ લાખ ૩૦ હજાર રૂપિયા અને ત્રણ લાખ ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એમાંથી ૧૦૧ પ્રોજેક્ટ પાસેથી ચાર લાખ ૧૦ હજાર રૂપિયા અને ૬૧ પ્રોજેક્ટ પાસેથી એક લાખ ૨૫ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નાગપુર વિભાગમાં ૩૫ પ્રોજેક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરમિયાન, ગ્રાહકોએ મહારેરા નોંધણી ક્રમાંક સહિત ક્યુઆર કોડ અને અન્ય સર્વ બાબતો તપાસીને જ ઘરની ખરીદી કરવી એમ મહારેરા દ્વારા જણાવવામાં આવ્યું છે.