ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘનઃ ૧૫ દિવસમાં ૧૮૭ કરોડની માલમત્તા જપ્ત
મુંબઈ: વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે ૧૫મી ઓક્ટોબરથી આચારસંહિતા જાહેર કરવામાં આવી હતી. આ સમયમાં આચારસંહિતાનો ભંગ થયો હોવાના અનેક બનાવ સામે આવ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારની કાનૂની એજન્સી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કરોડોની માલમત્તા જપ્ત કરવામાં આવી છે.
આમાં ગેરકાયદે રોકડ, દારૂ અને સોના અને ચાંદી જેવી કીમતી જણસ મળીને કુલ ૧૮૭.૮૮ કરોડ રૂપિયાની માલમત્તા જપ્ત કરવામાં આવી હોવાની માહિતી ચૂંટણી અધિકારીએ આપી હતી.
ચૂંટણી આચારસંહિતાના સમયમાં સજાગપણે કાર્યરત રાજ્યની વિવિધ કાનૂની એજન્સીએ પણ કામગીરી કરી છે. આમાં વિવિધ ઠેકાણે પોલીસ વિભાગ અને અન્ય એજન્સીઓ શહેરના વિવિધ પોઈન્ટ પર યોગ્ય પદ્ધતિથી કાર્યરત હોવાથી આચારસંહિતાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી હતી.
Also Read – મુંબઈમાં 161 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી
આમાં મુખ્યત્વે રાજ્ય પોલીસ વિભાગે અંદાજે ૭૫ કરોડ રૂપિયા, ઈન્કમટેક્સ વિભાગે ૬૦ કરોડ રૂપિયા, સ્ટેટ એક્સાઈઝ વિભાગે ૧૧ કરોડ રૂપિયાની માલમત્તાને જપ્ત કરી હતી. મતદારોને આચારસંહિતાનો ભંગ થઇ રહ્યો હોવાની માહિતી મળે તો તેઓ પંચના ‘સી-વિજિલ’ એપ પર ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદની માહિતી તમામ કાનૂની એજન્સીઓને આપવામાં આવતી હોય છે અને જરૂરી સ્થળે જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે.
પાલઘરમાં સૌથી વધુ પચીસ કરોડ રૂપિયાની માલમત્તા પોલીસે જપ્ત કરી હતી. દાદરા નગર હવેલીથી મહારાષ્ટ્રમાં રોકડ લાવવામાં આવી રહી હતી ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે રોકડ જપ્ત કરીને પોલીસ પ્રશાસનને સોંપી હતી અને તેની વધુ તપાસ ચાલી રહી છે.