મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વિન્ટેજ કાર ફિયેસ્ટા-2025નો પ્રારંભ
મુંબઈઃ શનિવારે કફ પરેડના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વીસીસીઆઈએ વાર્ષિક કાર ફિયેસ્ટાનું આયોજન કર્યું હતું. આજની ઈવેન્ટમાં અનેક વિન્ટેજ કાર પૈકી સેંકડો વિન્ટેજ અને ક્લાસિક કાર જોવા મળી હતી, જેમાં 10 સુપરકાર્સ અને 100 વિન્ટેજ-ક્લાસિક બાઈકસનો સમાવેશ હતો.
વીસીસીઆઈના ચેરમેન નીતિન ડોસાએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે અમે દર વર્ષે વિન્ટેજ કાર ફિયેસ્ટા અંતર્ગત મોટરિંગના આર્ટ અને ઇતિહાસના સેલિબ્રેશન માટે વિન્ટેજકાર પ્રેમીઓ અને સંગ્રહકોને એક મંચ પર લાવીએ છીએ. હકીકતમાં આ ઓટોમોબાઇલ્સ માત્ર મશીનો નથી, પરંતુ માનવજગતની ચતુરાઈ અને જુસ્સાનો પુરાવો છે.
તેમણે આ કાર ફિયેસ્ટા વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે ફિયેસ્ટામાં વિન્ટેજ કાર કેટેગરીમાં 170 જેટલી એન્ટ્રી આવી છે અને વિન્ટેજ ટુવ્હીલર કેટેગરીમાં 82 એન્ટ્રીઓ આવી છે. વાત કરીએ આ વખતના મુખ્ય આકર્ષણની તો આ વર્ષે ફિયેસ્ટામાં 1914ની વોલસેલી નામની કાર સેન્ટર ઓફ અટ્રેક્શન છે.
વાર્ષિક વિન્ટેજ કાર ફિયેસ્ટા 2025 ઓટોમોબાઈલ સેક્ટરના ઉત્સાહીઓ માટે પણ ખાસ રહેશે કારણ કે આ વખતે વીસીસીસીઆઈએ મોરિસ ગેરેજના 100 વર્ષ, રોલ્સ રોયસના 120 વર્ષ અને પેકાર્ડ ઓટોમોબાઈલના 125 વર્ષ સહિત મહત્વપૂર્ણ ઓટોમોટિવ એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી છે. શનિવારની ઈવેન્ટમાં યોહાન પુનાવાલા, ગૌતમ હરિ સિંઘાનિયા, રાજકોટના મહારાજા સહિત અન્ય વિન્ટેજ કારપ્રેમીઓ પોતાની કારને પ્રદર્શનમાં પ્રસ્તુત કરી હતી.
વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઓફ ઈન્ડિયા (વીસીસીઆઈ) દ્વારા દર વર્ષની જેમ જ આ વર્ષે પણ 25મી અને 26મી જાન્યુઆરીના ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના ઐતિહાસિક મૂલ્યોના જતન માટે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસની ઈવેન્ટ પૈકી શનિવારના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટ ખાતે 170 જેટલી વિન્ટેજ અને ક્લાસિક કાર સાથે ભાગ્યે જોવા મળતી કાર-બાઈક્સ પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી.