વર્ષોના વિલંબ પછી વિક્રોલી આરઓબી આવતા મહિને ખુલ્લો મુકાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષોથી પ્રલંબિત વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારો રેલ ઓવરહેડ બ્રિજ તેના અંતિમ તબક્કામાં છે. પુલ માટેના બાકી રહેલા ગર્ડર સાઈટ પર આવી ગયા છે અને બહુ જલદી તેને લોન્ચ કરવામાં આવશે. હાલ પુલનું ૮૫ ટકા કામ પૂરું થઈ ગયું છે અને બાકીનું ૧૫ ટકા કામ આવતા મહિનામાં પૂરું કરીને મે અંત સુધીમાં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે એવું પાલિકાએ આશ્વશન આપ્યું છે.
વિક્રોલી પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ અને વિક્રોલી પશ્ચિમમાં એસબીએસ માર્ગને જોડનારા આ પુલને કારણે વિક્રોલી પૂર્વથી પવઈ જવામાં સમયની અને ઈંધણની બચત થશે સાથે જ કાંજુરમાર્ગ અને ઘાટકોપરના લોકોને પણ ફાયદો થશે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પુલનું કામ અંતિમ તબક્કામાં છે. પુલના લોખંડના ગર્ડર સાઈટ પર દાખલ થઈ ગયા છે. ત્રણ તબક્કામાં ઊભા કરવમાં આવી રહેલા પુલના પહેલા તબક્કાનું કામ પૂરું થયું છે. પહેલા તબક્કામાં છ ગર્ડર નાખવામાં આવ્યા હતા. બાકીના બે તબક્કાનું કામ પ્રગતિ પર હોઈ બે તબક્કામાં ૧૨ ગર્ડર નાખવામાં આવવાના છે. મે, ૨૦૨૫ અંત સુધીમાં આ પુલ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
આ પુલનો મહત્ત્વનો ગર્ડર નાખવાનું કામ બહુ જલદી હાથ ધરવામાં આવવાનું છે. વિક્રોલી રેલવે સ્ટેશન પાસે સેન્ટ્રલ લાઈનમાં આવતા આ પુલની કુલ પહોળાઈ ૧૨ મીટર તો લંબાઈ ૬૧૫ મીટર છે. તેમાંથી ૫૬૫ મીટરનું કામ પાલિકા કરી રહી છે તો બાકીના ૫૦ મીટર લંબાઈનું કામ મધ્ય રેલવે તરફથી કરવામાં આવવાનું છે. આ પુલ પર નાખવામાં આવનારા ગર્ડર લગભગ ૨૫ મેટ્રિક ટનના છે. તેમ જ ગર્ડરની લબાઈ ૨૫થી ૩૦ મીટરની છે. પુલના ત્રણ તબક્કામાં આ ગર્ડર નાખવાની યોજના હતી. તેમાંથી હવે બે તબક્કાનું કામ હાથ ધરાશે.
પુલનું પૂર્વ બાજુનું કામ ૯૫ ટકા થઈ ગયું છે. તો પશ્ર્ચિમ બાજુએ કામ ચાલી રહ્યું છે, જેમાં હાલ ત્યાં એપ્રોચ રોડનું કામ પૂરું થયું છે. પશ્ચિમમાં પુલની નજીક એક સ્કૂલ પાસે વળાંક લેય છે, તે ઠેકાણે ‘ડેક સ્લેબ’ નાખવામાં આવવાનો છે. આ કામ ટેક્નિકલી અત્યંત જટિલ છે. છતાં આવતા મહિનામાં કામ પૂરું કરીને પૂલ ખુલ્લો મૂકી દેવાની પાલિકાની યોજના છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ પુલ માટે ૨૦૧૮ની સાલમાં વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. અગાઉ તેની ડેડલાઈન ઓક્ટોબર ૨૦૨૦ની હતી. પરંતુ ડિઝાઈનમાં ફેરફાર, અતિક્રમણ, જમીન સંપાદન જેવા મુદ્દાઓની સાથે કોરોના મહામારીમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પ્રોજેક્ટની ડેડલાઈન લંબાઈને મે ૨૦૨૩થી ડિસેમ્બર ૨૪ સુધી અને હવે મે ૨૦૨૫ની થઈ ગઈ છે.
ડિસેમ્બર ૨૦૨૨ કામ શરૂ થયા પછી પ્રોજેક્ટનો ખર્ચ ૪૨ મહિનાના વિસ્તરણ સાથે ૭૧.૮૬ કરોડ રૂપિયા થયો હતો, જે બાદમાં ડિઝાઈનમાં ફેરફાર, બાંધકામ ખર્ચ વગેરે કારણથી વધીને ૭૯.૨૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને હવે તેનો ખર્ચ ૧૦૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
આપણ વાંચો: ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના અસરગ્રસ્તોને ઘરની સામે હવે રોકડા પણ મળશે