પોલીસની સતામણી: પુણેના વિજય સાષ્ટેએ મંત્રાલયની જાળી પરથી માર્યો ભુસકો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સચિવાલયમાં મંગળવારે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. મંગળવારે બપોરના સમયે 41 વર્ષના આંદોલનકારીએ હાઈ સિક્યોરિટી ધરાવતી ઈમારતના સાતમા માળ પરથી સુરક્ષા જાળી પર પડતું મુક્યું હતું. મંત્રાલયની ઈમારતમાં લગાવવામાં આવેલી સુરક્ષા જાળીને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
વિજય સાષ્ટે નામના આ વ્યક્તિને પીઠમાં ઈજા પહોંચી હતી. મંત્રાલયના પોલીસ સત્તાવાળાઓ દ્વારા તત્કાળ તેને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાજ્ય સરકાર સંચાલિત સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની તબિયત સારી છે. એવી માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો: મંત્રાલયની ‘સેફ્ટી નેટ’માં હવે કોણે પડતું મૂક્યું?
સાષ્ટેની અરજી મુજબ તે પુણેથી મંત્રાલયમાં આવ્યો હતો અને મુખ્ય પ્રધાનની કચેરીને ચરાઈની જમીનના ગેરકાયદે સોદા અંગેના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદની ફરિયાદ કરવા માટે આવ્યો હતો.
તેની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિએ બનાવટી દસ્તાવેજો તૈયાર કરીે જમીનનું વેચાણ કર્યું હતું અને આનાથી પુણે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને નુકસાન થયું હતું.
તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુણેના વારજે માલવાડી વિસ્તારના પોલીસ અધિકારીઓ સહકાર આપતા નહોતા અને ઉલટાની તેની જ સતામણી કરી રહ્યા હતા. જેથી છેલ્લા છ વર્ષથી તેને ન્યાય મળ્યો નહોતો અને તે હતાશામાં હતો.