ઍર પોલ્યુશન કંટ્રોલના નિયમોની અમલબજવણી માટે વિજિલન્સ ટીમની નિમણૂક

ઍર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ૨૦૦થી ઉપર ગયો તો કામ બંધ કરાવવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ વાયુ પ્રદૂષણને નિયયંત્રણમાં રાખવા માટે બહાર પાડેલી ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેના પર નજર રાખવા માટે મુંબઈ માટે વિજિલન્સ ટીમની નિમણૂક કરી છે. જે વિસ્તારમાં ઍર ક્વોલિટી ઈન્ડેકસ ૨૦૦ કરતાં વધુ નોંધાશે તે સંબંધિત પરિસરમાં ઉદ્યોગ અને બાંધકામ બંધ કરી દેવાશે એવી ચેતવણી પાલિકા પ્રશાસને આપી છે.
મુંબઈમાં શિયાળાની આગમનની સાથે જ ફરી એક વખત વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગુરુવારે મુંબઈમાં સાંજે સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૬૬ નોંધાયો હતો. અનેક વિસ્તારમાં સરેરાશ એક્યુઆઈ પણ ૧૫૦ની ઉપર નોંધાયો હતો. વાતાવરણ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટેના ઉપાયને અમલમાં મૂકવા માટે પાલિકા દ્વારા દરેક વોર્ડ સ્તરે વિજિલન્સ ટીમની નિમણૂક કરવામાં આવી છે, જે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે આકરાં પગલાં લેશે એવું પાલિકાના એડિશનલ કમિશનર (શહેર) અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતુંં.
પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ઉપાયયોજના અમલમાં મૂકયા બાદ પણ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ૨૦૦ કરતાં વધુ નોંધાશે તે પરિસરમાં કારણભૂત રહેલાં ઉદ્યોગ અને બાંધકામને ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન-ફોર (ગ્રૅપ-૪) અંતર્ગત બંધ કરવામાં આવશે એવું પણ અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું. તેમ જ પાલિકાના તમામ ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનરને પણ આ બાબતે ખાસ ધ્યાન આપવા માટે અને યોગ્ય પગલા લેવા માટેની તેમણે સૂચના આપી છે.
મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે વિવિધ ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં સ્વચ્છ ઈંધણ પર બેકરી તેમ જ સ્મશાનભૂમિને શરૂ કરવી, પબ્લિક ટ્રાન્સપોર્ટને પર્યાવરણપૂરક બનાવવા માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ, બાંધકામ સાઈટ પરના કાટમાળનો સાયન્ટીફિકલી પ્રક્રિયા કરવાનો પ્રોજેક્ટ, ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મિસ્ટીંગ મશીનની મદદથી રસ્તા પર પાણીનો છંટકાવ કરવા જેવી બાબતનો સમાવેશ થાય છે.
પાલિકાએ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ૧૫ ઑક્ટોબર, ૨૦૨૪માં ગાઈડલાઈન બહાર પાડી હતી, જેમાં બાંધકામ પ્રોજેક્ટની આજુબાજુ ધૂળ પ્રદૂષણને રોકવા માટે પતરાથી ઢાંકવું, લીલાં કપડાનો ઉપયોગ કરવો, પાણીનો છંટકાવ કરવો, કાટમાળનો સાયન્ટીફિકલી નિકાલ કરવો, બાંધકામને ઠેકાણે વાયુ પ્રદૂષણને માપવા માટે મશીન બેસાડવા જેવી ઉપાયયોજનાનો સમાવેશ થાય છે.
આ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પાલિકાએ વોર્ડ સ્તરે વિજિલન્સ ટીમની નિમણૂક કરી છે. આ ટીમમાં વોર્ડ સ્તરે બે એન્જિનિયર અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. તેમની સાથે વ્હિકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ સહિતનાં વાહન રહેશે.
પાલિકાએ બહાર પાડેલા ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈનનું પાલન કરાવવાની સાથે જ સેન્સર આધારિત એર ક્વોલિટી સેન્સર મશીન બેસાડવાનું, કચરાને બાળવા, ઈંધણના સ્વરૂપમાં લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા જેવા કામ આ વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવશે.



