વિધાન ભવનમાં થયેલી મારામારી માટે મુખ્ય પ્રધાન ફડણવીસ દોષી, પ્રાયશ્ર્ચિત તરીકે રાજીનામું આપે: સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભા સંકુલ પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે થયેલી મારામારી માટે મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ઠેરવ્યા હતા અને પ્રાયશ્ર્ચિતરૂપે તેમના રાજીનામાની માગણી કરી હતી.
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, તેમણે વિશેષ જન સુરક્ષા બિલ પસાર થવા અંગે ભાજપની આગેવાની હેઠળની સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું આ કાયદો બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પણ લાગુ પડશે?
ગુરુવારે સાંજે જ્યારે ગૃહનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે વિધાનસભા સંકુલમાં એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
બંને જૂથો એકબીજા સાથે મારપીટ કરી રહ્યા છે અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને ખેંચી રહ્યા છે તેવા આઘાતજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને કારણે સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
મુખ્ય પ્રધાન ફડણવીસે પણ આ ઘટના પર નારાજી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિધાનભવનમાં જે બન્યું તેનાથી વિધાનસભામાં દરેકની છબી ખરાબ થઈ છે. આ મુદ્દા પર બોલતા, સપકાળે કહ્યું હતું કે, ‘વિધાનભવન પરિસરમાં થયેલી મારામારી માટે મુખ્ય પ્રધાન ફડણવીસ પોતે જ જવાબદાર છે. તેમણે પ્રાયશ્ર્ચિતરૂપે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.’
આપણ વાંચો: સમાધાન માટે આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ મારામારી…
ભાજપ પર વિપક્ષી સભ્યોને નિશાન બનાવવા માટે ‘ગુંડાઓ અને અસામાજિત તત્વો’ને પોષવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે હવે તે જ સંસ્કૃતિ વિધાનસભાના પવિત્ર પરિસરમાં પ્રવેશી ગઈ છે.
‘ચોમાસું સત્ર દરમિયાન જનતાએ જે જોયું તે લોકશાહીના મંદિરમાં લોકશાહી નહીં, પરંતુ એક શરમજનક તમાશો હતો. લોકો ખેડૂતોની તકલીફ, બેરોજગારી, મહિલા સુરક્ષા અને પાક વીમા જેવા મુદ્દાઓને સંબોધવા માટે તેમના પ્રતિનિધિઓને વિધાનસભામાં મોકલે છે. છતાં, આમાંથી કોઈની પણ અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી ન હતી. તેના બદલે, વિધાનસભામાં અભૂતપૂર્વ મારામારી થઈ હતી,’ એમ તેમણે કહ્યું હતું.
સપકાળે આ ઘટનાને ડબલ્યુડબલ્યુઈની મેચ સાથે સરખાવી હતી અને ફડણવીસ પર લોકશાહી સંસ્થાઓમાં આવી ‘હિંસક સંસ્કૃતિ’ લાવવાનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર પરિસરમાં મારામારી: શ્રદ્ધાળુઓ સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ
ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં, તેમણે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ)ના આરોપીને અક્કલકોટમાં ભાજપના નેતાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને શાસક પક્ષના એક વિધાનસભ્યે એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાં હિંસક ઝઘડામાં સામેલ થયાનું ઉદાહરણ આપ્યું હતું.
તેમણે ભાજપ પર મહારાષ્ટ્રના લોકશાહીને નવા નીચા સ્તરે ખેંચવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ બંધારણ કે રાજ્યની પરંપરાઓનું સન્માન કરતો નથી. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે હનીટ્રેપના આરોપોના પગલે સમૃદ્ધિ એક્સપ્રેસવેમાં 20,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.
‘મુખ્ય પ્રધાન દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હોવા છતાં, એ સ્પષ્ટ છે કે કંઈક ગંભીર બન્યું છે. સરકાર ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ બાબતને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ફડણવીસના નિવેદનો સંપૂર્ણપણે જુઠ્ઠાણા છે,’ એમ સપકાળે હનીટ્રેપના મુદ્દે કહ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ ગુરુવારે માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર થાણે, નાસિક અને મુંબઈમાં મંત્રાલય (સચિવાલય)માં રાજ્યના અધિકારીઓને નિશાન બનાવતા કથિત ‘હનીટ્રેપ’ રેકેટ પર વિધાનસભામાં ઔપચારિક નિવેદન આપે.
વિધાનસભામાં બોલતા, પટોલેએ દાવો કર્યો કે તેમની પાસે પેન ડ્રાઇવમાં આરોપો સંબંધિત તમામ ‘પુરાવા’ છે.