મહારાષ્ટ્રમાં પણ દિલ્હી જેવી ઘટના, વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં એક વ્યક્તિએ કર્યા સૂત્રોચ્ચાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે 14 ડિસેમ્બરના રોજ અચાનક જ દિલ્હી જેવી ઘટના બની હતી. જેમાં ગૃહની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં વિદર્ભ રાજ્ય તરફી કાર્યકર્તા અને પત્રકારે ખેડૂતોની સમસ્યાઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.
કાર્યકર્તા પ્રકાશ પોહરેએ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે તેઓ વિધાનસભાની પ્રેસ ગેલેરીમાં પહોંચ્યા હતા, અને તેમની સમસ્યાઓ તરફ ગૃહનું ધ્યાન દોરવા માટે તેમણે જોર જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.
નોંધનીય છે કે પોહરે એક મરાઠી દૈનિકના સંપાદક પણ છે. એક વીડિયોમાં તે પ્રેસ ગેલેરીમાંથી પોલીસ સાથે સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. વિધાન ભવન સંકુલની બહાર પત્રકારો સાથે વાત કરતા પોહરેએ તેમની કાર્યવાહીને યોગ્ય ઠેરવી અને કહ્યું કે વિદર્ભ અને પૂર્વ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કોઈ ઉઠાવતું નથી આથી અમારે આ રીતે બૂમો પાડીને સાંસદોનું ધ્યાન દોરવું પડે છે. અમારો ઈરાદો કોઇને નુકસાન પહોંચાડવાનો નહોતો. જો કે આ મામલે પોલીસ કોઇ કાર્યવાહી કરશે કે નહિ તે જાણવા મળ્યું નથી.