Victory parade: ‘આ’ કારણથી BMCના કર્મચારીઓને આખી રાત જાગવું પડ્યું…
મુંબઈઃ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૪ વિજેતા ભારતીય ટીમનો સત્કાર સમારંભ સમાપ્ત થયા પછી અને ભીડ ઓછી થઈ ગયા પછી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારોએ ગુરુવારે આખી રાત સમગ્ર મરીન ડ્રાઈવ વિસ્તારની સફાઈ કરી હતી. બે મોટા ડમ્પર અને પાંચ નાની જીપ ભરીને રેપર, પાણીની ખાલી બોટલો, બેગ, શૂઝ, ચપ્પલ અને બીજી વસ્તુઓ ભેગી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, એરપોર્ટથી મરીન ડ્રાઈવ વચ્ચે મોટા ભાગની જગ્યાએ ટ્રાફિક જામ તથા અમુક જગ્યાએ ધક્કામુક્કીના બનાવ બનતા અમુક ચાહકોને ઈજા પણ પહોંચી હતી. અમુક ચાહકોની કિંમતી વસ્તુઓની પણ ચોરી થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : યે હૈ મુંબઈ મેરી જાનઃ જ્યાં કીડી પણ ના ઘૂસી શકે, ત્યાંથી 17 સેકન્ડમાં આ રીતે નીકળી એમ્બ્યુલન્સ
મરીન ડ્રાઈવ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે આવતા મુંબઈગરાને કોઈ અસુવિધા ન થાય, તે માટે મરીન ડ્રાઈવ વિસ્તારમાં આ ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની સૂચના મુંબઈ મ્યુનિસિપલ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) ડૉ. સુધાકર શિંદેએ આપી હતી.
‘એ’ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર જયદીપ મોરેની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન લગભગ રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થઈને સવારે ૮ વાગ્યા સુધી ચાલ્યું હતું. તેથી, મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે સ્વચ્છ મરીન ડ્રાઇવ ઉપલબ્ધ થયું.
અહીં એ જણાવવાનું કે ભારતીય ટીમ ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપમાં આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. 17 વર્ષના દુકાળ પછી ભારત ફરી એક વાર ચેમ્પિયન બનતા ટીમ ઈન્ડિયાએ ભારતનું ગૌરવ વધાર્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પહેલા પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. ત્યાર બાદ મુંબઈમાં વિજય પરેડ પછી બીસીસીઆઈએ 125 કરોડનું ઈનામ આપ્યું હતું. ઉપરાંત, આજે મહારાષ્ટ્ર સરકારે ટીમને 11 કરોડનું ઈનામ જાહેર કર્યું હતું.