વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટને વન ખાતાની મંજૂરી હવે મેનગ્રોવ્ઝ ડાઈવર્ઝન પ્રસ્તાવ પર હાઈ કોર્ટની પરવાનગી લેવાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટને મેનગ્રોવ્ઝ ડાઈવર્ઝન પ્રપોઝલને કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી પહેલા તબક્કાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મંજૂરી તેમ જ વન હસ્તાંતરણ પ્રસ્તાવને મંજૂરી ગયા બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે બોમ્બે હાઈ કોર્ટમાં પાસેથી અંતિમ મંજૂરી માગશે. હાઈ કોર્ટની મંજૂરી મળ્યા બાદ જ પ્રત્યક્ષરૂપમાં કામ ચાલુ થઈ શકશે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ વર્સોવાથી ભાયંદરનું અંતર ૯૦- ૧૨૦ મિનિટ પરથી ફક્ત ૧૫થી ૨૦ મિનિટનું થઈ જશે. બળતણમાં બચતની સાથે જ કાર્બન ઉત્સર્જનમાં પંચાવન ટકાનો ઘટાડો થશે. જોકે આ રોડને કારણે ૮.૨૪ હેકટર મેનગ્રોવ્ઝ જંગલને કાયમી ધોરણે અસર થવાની છે. જેનાથી લગભગ ૯,૦૦૦ મેનગ્રોવ્ઝ વૃક્ષો પ્રભાવિત થશે.
મુંબઈ કોસ્ટલ રોડ (સાઉથ) નરીમન પોઈન્ટથી બાન્દ્રાનો ખુલ્લો મુકાઈ ગયો છે. મુંબઈના ઉત્તર પટ્ટામાં બાન્દ્રાથી વર્સોવા વચ્ચે કોસ્ટલ રોડનું કામ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન મારફત કરવામાં આવી રહ્યું છે. તો વર્સોવાથી ભાયંદર કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ પાલિકા કરી રહી છે. આ કોસ્ટલ રોડનું કામ પૂરું થયા બાદ નરિમન પોઈન્ટથી ભાયંદર સિગ્નલ રહિત ટ્રાફિકમાં અટવાયા વગર ઝડપથી પહોંચી શકાશે. એ સાથે જ પશ્ર્ચિમ ઉપનગરનો અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિકમાં મોટો ઘટાટો થશે.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ૨૦ કિલોમીટર લાંબા વર્સોવા-દહિસર કોસ્ટલ રોડને કારણે ટ્રાફિકમાં ઘટાડો થશે. દહિસરથી ભાયંદરને જોડતો ૫.૬ કિલોમીટરનો એલિવેટેડ રોડ (૪૫ મીટર પહોળો) ૩,૩૦૪ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. મરીન ડ્રાઈવરથી ભાયંદર સુધીના ૬૦ કિ.મી.ના મેગા પ્રોજેક્ટમાં ઈન્ટરચેન્જ, એલિવેટેડ રોડ, પુલ અને બે ટનલ હશે, જે અત્યાધુનિક બાંધકામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. બીજા તબકકામાં આ રૂટ વર્સોવા, મલાડ, માલવણી, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાંથી પસાર થશે અને મીરા રોડ થઈને ભાયંદરમાં પૂરો થશે. આ પ્રોજેક્ટનું કામ ઑગસ્ટ ૨૦૨૫માં શરૂ થશે અને ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક છે.
આ પ્રોજેક્ટ જમીન અને ખાડી બંને વિસ્તારોને આવરી લેવાનો છે, જેનો મોટાભાગનો ભાગ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) હેઠળ આવે છે. પાલિકાએ ગયા વર્ષે તમામ જરૂરી પર્યાવરણીય મંજૂરીઓ મેળવી હતી. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ૧૯ જૂનના રોજ પાલિકાને મેનગ્રોવ્ઝ ફોરેસ્ટ ક્ન્વર્ઝન પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ૮.૨૪ હેકટર મેનગ્રોવ્ઝ ફોરેસ્ટને કાયમી ધોરણે અસર કરશે, જેનાથી લગભગ ૯,૦૦૦ મેનગ્રોવ્ઝ વૃક્ષો પ્રભાવિત થશે, જેમાં મુખ્ય રોડ અને એક્સેસ રોડની બાજુમાં, હાઈ-વોલ્ટેજ પાવર લાઈન હેઠળ અને ટનલના કામને કારણે મેનગ્રોવ્ઝને અસર થશે. વધુમાં ૬૮.૫૫ હેકટર મેન્ગ્રોવ્ઝ વિસ્તારને અસ્થાયી રૂપે અન્ય સ્થળે ડાઈવર્ટ કરવામાં આશે. જે બાંધકામ દરમ્યાન લગભગ ૩૬,૦૦૦ વૃક્ષોને તાત્પૂરતા સમય માટે અસર કરશે. બાંધકામ પૂરું થયા બાદ આ વિસ્તારને પુન:સ્થાપિત કરવામાં આવશે. નુકસાનીની ભરપાઈ કરવા માટે મુંબઈ મેનગ્રોવ્ઝ સેલ દ્વારા એક મેનગ્રોવ્ઝ રિસ્ટોરેશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેની દેખરેખ હેઠળ આ કામ કરવામાં આવશે. મેન્ગ્રોવ્ઝને નુકસાન થશે તેની સરભાઈ કરવા માટે ભાયંદર ગાંવમાં ૩૧ હેકટર પર લગભગ ૧,૩૭,૦૨૫ છોડ દ્વારા પાલિકા વાવવામાં આવવાની છે.
આપણ વાંચો : કોસ્ટલ રોડ નજીક બીકેસી જેવા આર્થિક કેન્દ્રોની યોજના?