શિંદે, ફડણવીસ અને પોલીસ કમિશનરનાં વાહન પણ પ્રદૂષણ પરીક્ષણમાં નાપાસ
મુંબઈ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસે છેલ્લાં પાંચ વર્ષમાં વાહન ચાલકો પાસેથી ૨૦૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે એ માહિતી વચ્ચે હવે એવી જાણકારી મળી છે કે ટ્રાફિક પોલીસ ઉપરાંત ઘણા સરકારી વાહનોને નિયમભંગ બદલ ઈ – ચલાન આપવામાં આવ્યા છે. નિયમોનો ભંગ તેમણે પણ કર્યો છે.
રાજ્યના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીના નામ કસૂરવાર તરીકે જોવા મળે છે. જોકે, તેમાંથી એક પણ વ્યક્તિને દંડ નથી કરવામાં આવ્યો.
સમયાંતરે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે પીયુસી સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ માગવામાં આવતા હોય છે. આ સર્ટિફિકેટ ન હોય એના માટે દંડની રકમ પણ નિયત કરવામાં આવી છે. આ દંડ વાહનના ડ્રાઈવર તેમજ માલિકને લાગુ પડે છે. જે ૩૦ વાહનના પીયુસી સર્ટિફિકેટની મુદત પૂરી થઈ છે એમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરનાં વાહનોનો સમાવેશ થાય છે. આ સિવાય મુંબઈ પોલીસને નવ વેન પાસે ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમાંથી કોઈની પણ પાસેથી દંડ વસૂલ નથી કરવામાં આવ્યો.