આમચી મુંબઈ

વાહન ભાડે આપવાની સ્કીમમાં 1,375 રોકાણકાર સાથે 20 કરોડની છેતરપિંડી: 246 વાહન જપ્ત

મહિને પંચાવનથી 75 હજારની આવકની લાલચ: મુખ્ય આરોપી વિરુદ્ધ ગુજરાત-મહારાષ્ટ્રમાં અનેક ગુના

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વાહનો ભાડે આપવાની સ્કીમ હેઠળ મોટું રૅકેટ ચલાવનારા મુખ્ય આરોપી સહિત બે જણની ધરપકડ કરી પોલીસે 246 વાહન જપ્ત કર્યાં હતાં. રોકાણકારોને નામે લોન પર લીધેલાં વાહનો ઍરપોર્ટ અને જેએનપીટી ખાતે ભાડે ચલાવીને મહિને પંચાવનથી 75 લાખ રૂપિયાની આવકની લાલચ આપનારા આરોપીએ 1,375 રોકાણકાર સાથે 20 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપી વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક ગુના નોંધાયેલા છે.

કાશીમીરા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સંદીપ સુરેશ કાંદળકર ઉર્ફે રાજુ રાજીવ જોશી અને તેના સાથી સચિન સુનીલ તેટગુરે તરીકે થઈ હતી. આ કેસમાં વધુ સાત શકમંદની સંડોવણીની શક્યતાને પગલે પોલીસ તેમની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સરકારી નોકરી અપાવવાને બહાને લાખોરૂપિયાની છેતરપિંડી: દંપતી વિરુદ્ધ ગુનો

મીરા રોડમાં રહેતા ભાવેશ અંબવણેએ 20 એપ્રિલે નોંધાવેલી ફરિયાદ બાદ કાશીમીરા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે કાંદળકરનું નામ સામે આવ્યું હતું. લોન પર લીધેલાં ફોર વ્હીલર્સ ભાડે આપવાની સ્કીમ હેઠળ આરોપી મોટું રૅકેટ ચલાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

રાજુ જોશી નામે પોતાની ખોટી ઓળખ આપનારો આરોપી રોકાણકારને લોન પર વાહન ખરીદવાનું કહેતો હતો. રોકાણકારને નામે બુક કરાવાયેલાં વાહન આરોપી ઍરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) ખાતે ભાડે આપીને મહિને પંચાવનથી 75 હજાર રૂપિયાની આવકની લાલચ આપતો હતો. આવકમાંથી લોનના હપ્તા કાપ્યા પછી પણ સારીએવી રકમ હાથમાં આવવાની ખાતરી રોકાણકારોને આપવામાં આવતી.

આ પણ વાંચો: છેતરપિંડી કેસઃ મેહુલ ચોકસી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી

અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં રોકાણકારોનાં બૅન્ક ખાતાંમાં નફાની રકમ જમા કરી આરોપી તેમનો વિશ્ર્વાસ કેળવતો હતો. બાદમાં નાણાં ચૂકવવાનું બંધ કરી વિવિધ કારણો રજૂ કરતો અને પછી પોતાનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ કરી દેતો. આમ રોકાણકારોએ વાહનની લોનની રકમ ચૂકવવી પડતી અને વાહન પણ ગુમાવવાનો વારો આવતો.

તપાસ દરમિયાન પોલીસે રત્નાગિરિના દાપોલી તાલુકામાં રહેતા કાંદળકર અને તેના સાથી તેટગુરેની ધરપકડ કરી હતી. આરોપીએ વિવિધ રાજ્યના 1,375 રોકાણકારો સાથે આ રીતે 20 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપી દ્વારા ઍરપોર્ટ અને જેએનપીટી ખાતે ભાડે આપવામાં આવેલાં 246 વાહન જપ્ત કરવામાં આવ્યાં હોવાથી હજુ પણ અનેક ફરિયાદીઓ સામે આવી રહ્યા છે. પરિણામે છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button