આમચી મુંબઈ

શાકભાજીના ભાવ આસમાને, જાણો કારણ?

મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારોમાં ઠંડીનો ચમકારાથી લોકોને આનંદની લાગણી વ્યાપી છે, પરંતુ વધતી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે આમ આદમીની ચિંતામાં વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન માવઠું અને ઠંડી એક સાથે આવતા શાકભાજીના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવ્યો છે. રાજ્યમાં શાકભાજીનું ઉત્પાદન ઘટતા તેની અસર મુંબઈની શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવોમાં વધારો થયો છે, જેથી ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે.

માવઠા અને ઠંડીને કારણે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી શાકભાજીના ભાવમાં પ્રતિકીલો ૨૦થી ૩૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં રીંગણાંના ભાવ ૮૦-૧૦૦, ભીંડા ૧૨૦-૧૪૦, કોબી ૪૦-૬૦, વટાણા ૭૦-૯૦, શિમલા મરચાં ૯૦-૧૧૦, કારેલા ૮૦-૧૦૦ અને ગાજર ૫૦-૭૦ રૂપિયા પ્રતિ કિલોએ મુંબઈની બજારમાં વેચાઈ રહ્યા છે.

રાજયમાં માવઠાને લીધે દરેક પ્રકારના પાકને મોટું નુકસાન થયું છે. માવઠા સાથે સાથે શિયાળાની ઋતુ શરૂ થતાં મોટે ભાગે શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો જેટલા પહોંચી ગયા છે, એમ વેપારીએ જણાવ્યું હતું.
18

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button