(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈ પરિસરમાં રમકડાં વેચનારા ‘સિરિયલ રૅપિસ્ટ અને મોલેસ્ટર’ને વસઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી પકડી પાડ્યો હતો. ૨૫૦થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને અઢી હજાર જેટલા મોબાઈલ નંબરના વિષ્લેષણ પછી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. છેલ્લાં પાંચ મહિનામાં આરોપીએ વસઈ પરિસરમાં આઠ-નવ વર્ષની અનેક બાળકીઓને ટાર્ગેટ કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ બાગવત શંકર મારવાડી (૩૦) તરીકે થઈ હતી. વસઈ પૂર્વમાં રહેતો મારવાડી માણિકપુર અને આચોલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર જાતીય હુમલાના બે કેસમાં ફરાર હતો. મારવાડી વસઈ-વિરાર પરિસરમાં લાગેલા અનેક સીસીટીવી કૅમેરામાં ઝડપાયો હતો. તેની માહિતી આપનારાને પોલીસે પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પહેલી ઘટના ઑક્ટોબરમાં બની હતી. શાળાએથી ઘરે જઈ રહેલી બાળકીનો પીછો કરી આરોપી નાલાસોપારાની એક સોસાયટીમાં પ્રવેશ્યો હતો. રમકડાંની લાલચે આરોપીએ બાળકી સાથે કુકર્મ આચર્યું હતું. બાળકીની મદદ માટેની બૂમો સાંભળી રહેવાસીઓ દોડી આવતાં આરોપી ફરાર થઈ ગયો હતો.
આ જ રીતે ૮ ફેબ્રુઆરીએ મારવાડીએ વસઈમાં નવ વર્ષની બાળકીનો પીછો કર્યો હતો. નિર્જન સ્થળે બાળકી સાથે કથિત કૃત્ય કર્યા બાદ તેને ધમકી આપી હતી. બાળકીએ વડીલોને બનેલી ઘટનાની જાણ કરતાં આચોલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ ઘટનાઓને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૨ના અધિકારીઓએ આરોપીની શોધ હાથ ધરી હતી. મારવાડી વસઈ પૂર્વ-પશ્ર્ચિમના બ્રિજ પરથી વારંવાર પસાર થતો હોવાનું સીસીટીવી કૅમેરામાં નજરે પડ્યું હતું. આરોપીની ઓળખ થયા પછી લગભગ ૨૫૦થી વધુ કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. એ સિવાય મારવાડીએ પોતાનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ રાખ્યો હોવાથી પોલીસે ઘટનાસ્થળના ડંપ ડેટા મેળવ્યા હતા. લગભગ અઢી હજાર મોબાઈલ ફોન નંબરના વિશ્ર્લેષણ પછી આરોપી કલ્યાણ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસની ટીમ કલ્યાણ પહોંચી ત્યારે આરોપી ત્યાંથી રવાના થઈ ગયો હતો. રાજસ્થાન જતી ટ્રેનમાં તે મુસાફરી કરી રહ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીની દાદી સુરતમાં રહેતી હોવાથી સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી મારવાડીને તાબામાં લેવાયો હતો. અગાઉ પણ આઠ વર્ષની બાળકીના વિનયભંગના કેસમાં પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ રીતનું કૃત્ય તેણે અન્ય બાળકીઓ સાથે કર્યું હોવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી.