Bad News: વસઈ-વિરારવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ પણ હવે કરાયો આ ફેરફાર
મુંબઈઃ મુંબઈ નજીક વસઈ-વિરાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મંજૂર કરવામાં આવેલ 12 ફલાયઓવરની ડિઝાઈનમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. બારમાંથી ત્રણ ફ્લાયઓવર એક બીજા સાથે જોડવામાં આવશે અને બાકીના બે ફ્લાયઓવર હવે રેલવે ઓવરબ્રીજમાં ફેરવાશે. આમ એકંદરે વસઈમાં 12 ફ્લાયઓવરને બદલે સાત ફ્લાયઓવર બનશે.
વસઈ વિરારની વસ્તી સતત વધી રહી છે અને શહેરીકરણ ઝડપથી વિકસી રહ્યું છે. શહેરના સાંકડા રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધી રહી હોવાથી લોકોને દરરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરની અંદરની વાહનવ્યવહારની ભીડની સમસ્યા હલ કરવા માટે ૧૨ ફ્લાયઓવર માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પહેલી દરખાસ્ત 2014 – 15માં કરવામાં આવી હતી. ત્યારે આ 12 ફ્લાયઓવરની કિંમત 250 કરોડ રૂપિયા થવાની ધારણા હતી.
તાજેતરમાં એમએમઆરડીએએ શહેરના વિસ્તૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ રોડ અને ફ્લાયઓવર માટે 2032 કરોડ રૂપિયાના કામને વહીવટી મંજૂરી આપી હતી. એ અનુસાર એમએમઆરડીએના અધિકારીઓએ વસઈ – વિરારની મુલાકાત લીધી હતી અને આ ફ્લાયઓવરના કામનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ પછી ૧૨ સૂચિત ફ્લાયઓવરની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ફ્લાયઓવરોમાં માણિકપૂર નાકા, બાભોળા નાકા, વસંત નગરી, રેન્જ ઓફિસ, વસઈનો પાટણકર પાર્ક, લક્ષ્મી શોપિંગ સેન્ટર, ચંદન નાકા (નાલાસોપારા), બોળીન્જ ખારોડી નાકા, સાયન્સ ગાર્ડન, ફુલપાડા, મનવેલપાડા, નારંગી (વિરાર) મળી 12 ફ્લાયઓવરનો સમાવેશ હતો. જોકે સર્વેમાં એક જ રોડ પર બે બ્રિજ હોવાનું ધ્યાનમાં આવતા તેને એકત્રિત કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો : હિજાબ પર પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટે મુંબઈની કોલેજને લગાવી ફટકાર, ડ્રેસ કોડ પરના આદેશ પર સ્ટે આપ્યો
આ નિર્ણય અનુસાર વિરારનો ખારોડી નાકા બોળીન્જ – સાયન્સ ગાર્ડન ફ્લાયઓવર અને મનવેલપાડા – ફૂલપાડા ફ્લાયઓવરને એકબીજા સાથે જોડવામાં આવશે. સિવાય વસઈના માણિકપુર નાકા અને બાભોળા બ્રિજને પણ એકબીજા સાથે જોડવામાં આવશે. નાલાસોપારાના લક્ષ્મી શોપિંગ સેન્ટર જંકશન અને શ્રીપ્રસ્થ પાટણકર પાર્ક ખાતેના સૂચિત ફ્લાયઓવરને રેલવે ઓવરબ્રીજમાં ફેરવવામાં આવશે.
આ ફેરફારને કારણે પુલની સંખ્યા ૧૨માંથી ઘટી સાત થઈ જશે. ડ્રાઇવરોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બદલાવને કારણે ડ્રાઇવરો સતત વાહન ચલાવી શકશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે એમ વસઈ વિરાર પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રદીપ પાચંગેએ જણાવ્યું હતું. ફ્લાયઓવરનું સ્થાન નથી બદલાયું, કેવળ સંખ્યા ઓછી થઈ ગઈ છે. નવી ડિઝાઇનના કારણે અંદાજિત ખર્ચમાં વધારો થવાની અપેક્ષા છે.
જોડવામાં આવનારા 3 ફ્લાયઓવર:
1) માણિકપૂર નાકા – બાભોળાનાકા (વસઈ) 2) મનવેલપાડા – ફુલપાડા (વિરાર) 3) સાયન્સ ગાર્ડન – ખારોડી નાકા (વિરાર)
4 બ્રિજ અલગ રહેશે: 1) વસંત નગરી (વસઈ) 2) નારીંગી સાંઈનાથ નગર (વિરાર) 3) રેન્જ ઓફિસ ગોખીવરે (વસઈ) અને 4) ચંદન નાકા (નાલાસોપારા)
2 પુલ (પાટણકર પાર્ક અને લક્ષ્મી શોપિંગ સેન્ટર (નાલાસોપારા)ને રેલવે ઓવરબ્રિજમાં ફેરવવામાં આવશે.