વસઇ-વિરાર પાલિકાના ભૂતપૂર્વ કમિશનરની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ ‘ગેરકાયદે’

મુંબઈ હાઇ કોર્ટે અનિલ પવારને મુક્ત કરવાનો આદેશ આપ્યો
મુંબઈ: મુંબઈ હાઇ કોર્ટે બુધવારે વસઇ-વિરાર પાલિકાના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવારની મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા કરાયેલી ધરપકડને ‘ગેરકાયદે’ ગણાવી હતી અને તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંકડની ખંડપીઠે કહ્યું હતું કે પવારની ધરપકડ સમયે ઇડી પાસે ‘નક્કર સામગ્રી’ નહોતી.
‘અમે એવો અભિપ્રાય બાંધ્યો છે કે 13 ઑગસ્ટ, 2025ના રોજ ધરપકડ કરનારા અધિકારી પાસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 હેઠળ જરૂરી કોઇ સામગ્રી નથી’ (તે વ્યક્તિ ગુનામાં દોષિત છે તેવું માનવા માટેનું કારણ), એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ઈડી પાસે માંગ્યો જવાબ
‘અમે એવું કહેવા માગીએ છીએ કે કોઇ નક્કર સામગ્રી નથી અને ઇડીનો આખો કેસ સંબંધિત આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સના નિવેદનો પર આધારિત છે’, એમ ખંડપીઠે જણાવ્યું હતું.
13 ઑગસ્ટે ઇડી દ્વારા પવારની ધરપકડ કરવામાં આવી હતી. પવારે આ કેસમાં તેમની ધરપકડ અને વિશેષ કોર્ટ દ્વારા તેમને જુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશને પડકારતી અરજી હાઇ કોર્ટમાં કરી હતી. હાઇ કોર્ટે બુધવારે વિશેષ કોર્ટના આદેશને પણ રદ કર્યા હતા.
અરજી એ હદે માન્ય રાખવામાં આવી છે કે 13 ઑગસ્ટે અરજદારની કરાયેલી ધરપકડ ગેરકાયદે છે. વિશેષ જજ દ્વારા અપાયેલા આદેશને રદ કરવામાં આવે છે. અરજદારને મુક્ત કરવામાં આવશે, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચો: બેટિંગ એપઃ મની લોન્ડરિંગ કેસમાં સોનુ સૂદ ઇડી સમક્ષ હાજર
આ આદેશ જાહેર કરાયા બાદ ઇડી વતી કોર્ટમાં હાજર એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે સ્ટે માગ્યો હતો, જે હાઇ કોર્ટે નકારી કાઢ્યો હતો.
પવાર પર બિલ્ડર્સ અને ડેવલપર્સ સાથે સાંઠગાંઠનો આરોપ છે, જેના દ્વારા વસઇ-વિરારમાં 41 ગેરકાયદે ઇમારત બાંધવામાં આવી હતી.
દરમિયાન પવાર તથા અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.
(પીટીઆઇ)