વસઇમાં પિસ્તોલની ધાકે જ્વેલર્સની દુકાનમાંથી 71 લાખનાં ઘરેણાંની લૂંટ…
ચાર લૂંટારા પકડાયા આરોપીઓ પાસેથી ઘરેણાં ખરીદનારની કર્ણાટકથી ધરપકડ
મુંબઈ: વસઇમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક દાખવી તથા તેના પર હુમલો કર્યા બાદ દુકાનમાંથી 71 લાખ રૂપિયાની કિંમતનાં ઘરેણાંની લૂંટ ચલાવનારી ટોળકીના ચાર લૂંટારાને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 23.39 લાખનાં ઘરેણાં સહિત ઑટોમેટિક પિસ્તોલ, કારતૂસ તથા અન્ય શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હોઇ તેમની પાસેથી દાગીના ખરીદનારાની પોલીસે કર્ણાટકથી ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
Also read : પુણેમાં જીબીએસ સિન્ડ્રોમને કારણે વધુ એક મોત…
વસઇની વાલિવ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અનુજ ગંગારામ ચૌગુલે (36), રોયલ ઉર્ફે રોય એડવર્ડ સિક્વેરા (46), લાલસિંહ ઉર્ફે સીતારામ મોરે (56) અને સૌરભ ઉર્ફે પપ્પુ તુકારામ રાક્ષે (27) તરીકે થઇ હતી, જ્યારે કર્ણાટકથી અમર નિમગિરેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અનુજ ચૌગુલે વિરુદ્ધ મુંબઈ, પાલઘર, સાતારામાં 20થી વધુ ગુના, રોયલ ઉર્ફે રોય સિક્વેરા સામે મહાબળેશ્ર્વરમાં હત્યા-લૂંટ સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં 11 ગુના દાખલ હોવાનું તપાસમાં જણાયું હતું.
વસઇ પશ્ચિમ કૌલ હેરિટેજ સિટી ખાતે ઝવેરી રતનલાલ સિંઘવી 10 જાન્યુઆરીએ રાતે પોતાની મયંક જ્વેલર્સ નામની દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે બે લૂંટારા અંદર ઘૂસી આવ્યા હતા. તેમણે ઝવેરીને પિસ્તોલની ધાક દાખવી ધમકાવ્યો હતો. બાદમાં ઝવેરી પર હુમલો કરી દુકાનમાંથી તેમણે 71 લાખ રૂપિયાના ઘરેણાં લૂંટ્યાં હતાં. આ પ્રકરણે વાલિવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડવા માટે ટીમ તૈયાર કરાઇ હતી.
Also read : અભિનેત્રી રિયા બર્ડે બાંગ્લાદેશ જવાની ફિરાકમાં હતી ત્યારે એરપોર્ટ પરથી પકડાઈ…
પોલીસે ઘટનાસ્થળ સહિત 600થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ટોકપાડા વિસ્તારમાંના એક સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કારની લાઇટ ચાલુ કરી તથા હોર્ન વગાડ્યા બાદ ત્યાંની ઇમારતમાં જતા નજરે પડ્યા હતા. પોલીસે બાદમાં એ વિસ્તારમાં તપાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે બે આરોપી અનુજ અને રોયલને પકડી પાડ્યા હતા. બંનેએ ગુનામાં વાપરેલી મોટરસાઇકલ સાતારાથી ચોરનાર લાલસિંહ અને સૌરભને પણ બાદમાં તાબામાં લેવાયા હતા.