વસઇના બંગલોમાં લૂંટ ચલાવવા આવેલી ટોળકી ઘાતક શસ્ત્રો સાથે પકડાઇ

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં એક બંગલોમાં લૂંટ ચલાવવાને ઇરાદે આવેલી ટોળકીના 11 સભ્યને પોલીસે ઘાતક શસ્ત્રો સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓમાંથી મોટા ભાગના ગુનાહિત રેકોર્ડ ધરાવતા હોવાનું તપાસમાં જણાયું હતું.
વસઇમાં એવરશાઇન સિટી ખાતે રામ રહિમ નગરમાં આવેલા બંગલોમાં લૂંટ ચલાવવા માટે 10 જણ મંગળવારે એકઠા થવાના છે, એવી માહિતી પોલીસને મળી હતી.
આપણ વાંચો: કાર સાથે અપહરણ કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો…
આ માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચ સેલ-2 (વસઇ)ની ટીમે તથા વાલિવ, માણિકપુર અને આચોલે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ છટકું ગોઠવીને 11 આરોપીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર, ચાર કારતૂસ, ચોપર, છરી, કાતર, હથોડો અને મરચાંની ભૂકી મળી આવ્યાં હતાં.
આપણ વાંચો: ડ્રગ્સ જપ્તી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારા ચારને કોર્ટે છોડી મૂક્યા…
આરોપીઓની ઓળખ કુમાર વિલાસ સાબળે, ઇબ્રાઉદ્દીન ચૌધરી, કાર્તિક સિંહ, સુરુપ્રિતસિંહ લબાના, કૈલાસ ચિખલે, વિષ્ણુ ખરાત, સચિન ભાલેરાવ, વિક્રમ હરિજન, રમજાન કુરેશી, ગણેશ ભોસલે અને ગણેશ જાધવ તરીકે થઇ હતી.
મોટા ભાગના આરોપીઓ વિરુદ્ધ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી અને ડ્રગ્સ સંબંધી ગુના દાખલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. (પીટીઆઇ)