આમચી મુંબઈ
વસઇ-ભિવંડીમાં પોલીસની રેઇડ: 53 લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

પાલઘર: વસઇ અને ભિવંડીમાં પોલીસે રેઇડ પાડીને 53 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે બે જણની ધરપકડ કરી હતી.
પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 18 ઑક્ટોબરે પાલઘર જિલ્લાના વસઇમાં એક ઘરમાં રેઇડ પાડી હતી, જ્યાંથી 16.37 લાખ રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું. પોલીસે ત્યાંથી 70 વર્ષના વૃદ્ધ ઇરફાન સુલેમાન ખત્રીને પકડી પાડ્યો હતો.
ઇરફાન ખત્રીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે ચરસ ભિવંડીમાં રહેનારા તબરેઝ અમીનમિયાં ખાન (25) પાસેથી મેળવ્યું હતું.
દરમિયાન પોલીસ ટીમે ભિવંડીમાં તબરેઝ ખાનના ઘરે રેઇડ પાડીને ત્યાંથી 37.51 લાખ રૂપિયાનો ગાંજો અને ચરસ જપ્ત કર્યાં હતાં. તબરેઝ ખાનની બાદમાં ધરપકડ કરાઇ હતી. બંને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)