Election Result: સત્તામાં આવનાર કોઇ પણ પક્ષ-સંગઠન સાથે જોડાવવા માટે વંચિત બહુજન આઘાડી તૈયાર

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામો પૂર્વે મહા-ગઠબંધનોમાં અત્યારથી સરકાર બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે ત્યારે નાના-નાના પક્ષો પણ આ રેસમાંથી બહાર નથી. વંચિત બહુજન આઘાડી હોય કે પછી એઆઈએમઆઈએમ જ કેમ ના હોય. તાજેતરમાં વંચિત બહુજન આઘાડીએ જણાવ્યું છે કે જો પોતાની પાર્ટીને બહુમત મળશે તો સરકાર બનાવનારી કોઈ પણ પાર્ટીને સમર્થન આપશે.
આ પણ વાંચો : કોંગ્રેસને આંચકો ભૂતપૂર્વ પ્રધાન અનીસ અહેમદ વંચિત બહુજન આઘાડીમાં જોડાયા…
વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે આજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જો તેમના પક્ષને ચોક્કસ આંકડો પ્રાપ્ત થશે તો તેઓ એવા સંગઠન સાથે જોડાઇ શકે છે જેઓ સરકાર બનાવશે. ડૉ. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે ‘એક્સ’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેમનો પક્ષ સત્તામાં આવવાનું પસંદ કરશે.
‘ચૂંટણી પરિણામમાં અમે ચોક્કસ આંકડો મેળવી શક્યા તો જે પક્ષ અથવા જે સંગઠન રાજ્યમાં સરકાર બનાવશે અમે તેમની સાતે જોડાવાનું પસંદ કરીશું’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ‘અમે સત્તા પસંદ કરીશું’, એમ તેમણે એક્સ પર પોસ્ટ કર્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વીબીએ ૨૦૦ ઉમેદવાર ઊભા કર્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં વીબીએ દ્વારા ૨૩૬ બેઠક પર ઉમેદવાર ઊભા કર્યા હતા, પણ તેઓ પોતાનું ખોતું ખોલાવી શક્યા નહોતા. ત્યારે તેમને કુલ બેઠકો મળીને ૫.૫ ટકા મત મળ્યા હતા, ત્યારે આ વખતની ચૂંટણીમાં કેટલા મત મળે એ જોવાનું રહેશે.