ફડણવીસના સ્વાગત માટેની રેલીમાં 31 લોકોનો કિંમતી સામાન થયો ચોરી…
નાગપુરઃ દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિ ગઠબંધન વતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. ત્યાર બાદ રવિવારે નાગપુરમાં રાજ્ય સરકારના મંત્રીઓની શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસના ચાહકોએ તેમના માટે એક ખાસ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કેટલાક ખિસ્સાકાતરુઓ અને ચોરોએ હાથ સફાઇ કરી હોવાની અપ્રિય ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો : Good News: આગામી 3 મહિનામાં નવો વાશી બ્રિજ ધમધમશે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે આયોજિત સ્વાગત રેલી દરમિયાન 30 થી વધુ લોકોએ તેમના પાકીટ અને અન્ય વસ્તુઓ ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે 31 લોકોની ફરિયાદ બાદ રાણા પ્રતાપ નગર, સોનેગાંવ અને બજાજ નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ખિસ્સાકાતરુઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, “અમે અહિલ્યાનગરમાંથી એક ગેંગના 11 લોકોની ધરપકડ કરી છે.
આરોપીઓએ કથિત રીતે રોકડ, મોબાઈલ ફોન, સોનાની ચેઈન જેવી વસ્તુઓની ચોરી કરી છે. એક પોલીસ અધિકારીની સોનાની ચેઈન ચોરાઇ ગઇ છે. સીસીટીવી ફૂટેજ મેળવીને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે.
33 વર્ષ બાદ પ્રથમ વખત નાગપુરના રાજભવનમાં રવિવારે મહારાષ્ટ્રના 39 મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, અગાઉ 1991માં તત્કાલિન મુખ્ય પ્રધાન સુધાકરરાવ નાઈકના શાસનકાળમાં નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તે સમયે નાઈકે બળવાખોર શિવસેના નેતાઓ છગન ભુજબળ અને રાજેન્દ્ર ગોલેને પોતાની સરકારમાં સામેલ કર્યા હતા. કોંગ્રેસના બીડના વિધાન સભ્ય જયદત્ત ક્ષીરસાગરને પણ નાઈક સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા: પરભણી હિંસા, સરપંચની હત્યા અંગે ચર્ચા કરવા ફડણવીસ સહમત
આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં 39 મંત્રીઓએ શપથ લીધા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓ સામેલ હતા.
રાજ્યપાલ સી. સુબ્રમણ્યમે આ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ વખતે છગન ભુજબળને કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.