વલસાડ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ: પ્રવાસીઓ રખડી પડ્યાં, જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં વલસાડ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગ્યા પછી લાંબા અંતરની મેલ એક્સપ્રેસ સહિત અમુક લોકલ ટ્રેનની સર્વિસ ખોટકાઈ હતી. હાલના તબક્કે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ બનાવને કારણે મુંબઈથી ગુજરાતના ટ્રેનવ્યવહાર પર પણ અસર થવાથી પ્રવાસીઓ રખડી પડ્યા હતા.
મુંબઈથી ગુજરાત દિશામાં જનારી વલસાડ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગતા અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. એન્જિનમાં આગ લાગ્યાની જાણ થયા પછી મુંબઈ સેન્ટ્રલ વલસાડ ફાસ્ટ પેસેન્જર (નંબર 59023) ટ્રેનને કેલવે રોડ સ્ટેશન ખાતે રોકી દેવામાં આવી હતી, પરંતુ તમામ લોકો સુરક્ષિત છે, જ્યારે આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સેન્ટ્રલથી આજે સાંજના 6.10 વાગ્યાના સુમારે વલસાડ પેસેન્જર ટ્રેન રવાના થઈ હતી, જે રાતના 7.40 વાગ્યાના સુમારે કેલવે સ્ટેશને પહોંચ્યા પછી એન્જિનમાં ધુમાડા સાથે આગ લાગી હોવાનું લોકો પાઈલટને ધ્યાનમાં આવ્યું હતું, ત્યાર બાદ એન્જિનમાં જોરદાર ધુમાડા સાથે આગ વિકરાળ સ્વરુપ પકડ્વાને કારણે ટ્રેનમાંથી પ્રવાસીઓને ઉતારવામાં આવ્યા હતા.
Extremely alarming! Engine of Valsad fast passenger catches FIRE at Kelwe Road today! Travelling on Western Railway has become a NIGHTMARE lately! Multiple incidents raising serious safety concerns. What @drmbct @WesternRly is doing? #Palghar pic.twitter.com/MNkLSORG0h
— Surya Rane (@suryarane) September 17, 2025
સુરક્ષાના ભાગરુપે રેલવેએ કોરિડોરના ઓવરહેડ ઈલેક્ટ્રિકલ વાયરના સપ્લાયને રોકવામાં આવ્યો હતો, જ્યારે આગને નિયંત્રણમાં લેવાનું કામ ચાલુ છે. પશ્ચિમ રેલવેમાં દહાણુ સ્ટેશન સુધીની લોકલ ટ્રેનસેવા પર પણ અસર થઈ છે, જ્યારે લાંબા અંતરની સુરત સુધીની ટ્રેનસેવા પર અસર પડી શકે છે.
આ મુદ્દે એક પ્રવાસીએ કહ્યું હતું કે એન્જિનમાં આગ લાગ્યા પછી ટ્રેનને સ્ટેશન પર રોકી દેવામાં આવે એટલી સુખદ વાત છે કે નહીં તો કેટલી મોટી જાનહાનિ થઈ હોતી. સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું હતું કે વલસાડ ફાસ્ટ પેસેન્જરને તદ્ન નબળા કોચ અને એન્જિન આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય એકે લખ્યું હતું કે લોકો-એન્જિનને મેઈન્ટેનન્સ કરવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી આ પ્રકારનો બનાવ બની શકે છે.
ટ્રેનના એન્જિનમાં કઈ રીતે આગ લાગી એનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓ રવાના થયા હતા તથા આગ નિયંત્રણમાં આવ્યા પછી અન્ય એન્જિન જોડવામાં આવશે, ત્યારપછી ટ્રેનને રવાના કરી શકાય છે.