વાજપેયી ભારતીય રાજકારણના ‘બીજા નહેરુ’ હતા: સંજય રાઉત

મુંબઈઃ શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે આજે ભાજપના દિગ્ગજ અને ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીને ભારતીય રાજકારણના “બીજા નહેરુ” તરીકે વર્ણવ્યા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા રાઉતે એમ પણ કહ્યું કે જ્યારે પણ “રાજ ધર્મ” ખતરામાં હશે, ત્યારે દેશ વાજપેયીને યાદ કરશે, જેમની જન્મશતાબ્દી આજે મનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભલે તેમની પાર્ટી ભાજપ સાથે ન હોય, પરંતુ વાજપેયીને હંમેશાં યાદ કરવામાં આવશે.
હાલમાં ભાજપ કદાચ (ભારતના પ્રથમ વડા પ્રધાન) પંડિત નહેરુના વારસાને બદનામ કરી રહ્યો છે, પરંતુ વાજપેયી બીજા નહેરુ હતા. તેઓ બિન-કોંગ્રેસી પક્ષોના નહેરુ હતા,એમ રાજ્યસભાના સભ્યએ દાવો કર્યો. તેમણે ઉમેર્યું હતું કે, કટ્ટર હિંદુત્વવાદી હોવા છતાં વાજપેયી માનતા હતા કે દેશ બધાનો છે. વાજપેયીના નેતૃત્વમાં ભાજપ સર્વસમાવેશી હતો અને લોકો માનતા હતા કે પાર્ટી ભારતને એક અને મજબૂત રાખવા માંગે છે.
રાઉતે કહ્યું હતું કે પંડિત નહેરુએ પણ વાજપેયીની પ્રશંસા કરી અને આશીર્વાદ આપ્યા. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને વાજપેયી માટે ખૂબ જ આદર હતો અને તેમના શબ્દોની કિંમત હતી, એમ કહીને રાઉતે ભાજપને પરોક્ષ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે “જ્યારે પણ ‘રાજ ધર્મ’ જોખમમાં હશે, ત્યારે દેશ વાજપેયીને યાદ કરશે.” શિવસેના (યુબીટી) સ્વતંત્ર રીતે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, રાઉતે કહ્યું, ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવા દો, તમને ખબર પડશે… પરંતુ અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Also read: રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં પંડિત નહેરુના રેકોર્ડની કરી બરાબરી, વડા પ્રધાન મોદીએ લીધા ત્રીજી વખત શપથ
નોંધનીય છે કે, ઠાકરેએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રીપદની વહેંચણીના મુદ્દે લાંબા ગાળાના સહયોગી ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા. ગયા મહિને થયેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ કરતી સત્તાધારી મહાયુતિએ ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે એમવીએને અભૂતપૂર્વ પરાજય સહન કરવો પડયો હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યમાં વિવિધ નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ બાકી છે. અવિભાજિત શિવસેનાએ ૧૯૯૭થી ૨૦૨૨ સુધી – સતત ૨૫ વર્ષ સુધી રોકડથી સમૃદ્ધ બીએમસી પર નિયંત્રણ ધરાવ્યું હતું. આગામી ચૂંટણીમાં આ ગઢ ટકશે કે કેમ તે જોવું રસપ્રદ થઇ રહેશે.
(PTI)