નશા માટે વપરાતા રૂ. 40 લાખનાં વિશિષ્ટ પાન જપ્ત: વિદેશી નાગરિકની ધરપકડ

મુંબઈ: નશા માટે વપરાતાં ખાટ નામનાં રૂ. 40 લાખની કિંમતનાં પાન જપ્ત કરી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. કેનિયાથી બે પાર્સલમાં સાત કિલો ખાટ પાન આવ્યા હતા.
આ પાનને કેથા એડ્યુલિસ, ડ્રાય ચાટ, મીરા લીવ્ઝ ડ્રાય ચાટ એડ્યુલિસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રતિબંધિત ખાટ પાનની અનધિકૃત આયાતમાં મધ્ય પૂર્વમાં સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સંડોવાયેલી છે. એનસીબીએ આ પ્રકરણે યમની નાગરિકની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પાન ધરાવતા બે પાર્સલ આંતરરાષ્ટ્રીય કુરિયર મારફત ભારતમાં મોકલાયાં હતાં. કેનિયાથી તે બૂક કરવામાં આવ્યા હતા અને 23 નવેમ્બરે મુંબઈમાં એફપીઓ ખાતે તેને આંતરવામાં આવ્યાં હતાં. ચા તરીકે જાહેર કરી ઘણાં પેકેટમાં આ સૂકાં પાન ભરાયાં હતાં. બે અલગ અલગ દિવસે જુદાંં જુદાં બે પાર્સલ પકડાયાં હતાં, જેમાં સાત કિલો ખાટ પાન હતાં.
મસ્જિદ બંદર વિસ્તારમાંથી બંને પાર્સલને ઉપાડવા માટે મુખ્ય દાણચોરે તેના સાગરીતને સૂચના આપી હતી. 29 નવેમ્બરે યમની નાગરિક ગલા એનએમએએ પાર્સલ લેવા માટે આવ્યો ત્યારે તે એનસીબીના સકંજામાં સપડાયો હતો.
નોંધનીય છે કે ખાટ ઘણા દેશોમાં અનધિકૃત ડ્રગ ગણવામાં આવ્યું છે અને વર્ષ 2018માં તેને એનડીપીએસ એક્ટ 1985માં સામેલ કરાયું છે.