આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિમાં ડખા?: એનસીપી અજિત પવાર જૂથની તાકીદે દેવગીરી બંગલા પર બેઠક

ભાજપની મુશ્કેલીઓમાં થશે વધારો: સર્વેમાં ભાજપની નબળી હાલત જોતાં બંને સાથી પક્ષો હવે બાર્ગેનિંગ વધારે એવી આશા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એની સાથે જ રાજ્યના રાજકારણમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની પડતીના એંધાણ મળ્યા બાદ હવે સાથી પક્ષોની ખેંચતાણને કારણે ભાજપની સ્થિતિ કફોડી થવાની શક્યતા જોવાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી અઠવાડિયે અમિત શાહ સાથેની બેઠકમાં લોકસભાની બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવાય એવી શક્યતા છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સાથી પક્ષો સાથે મળીને ફક્ત રાજ્યમાં 18-20 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ હવે મહાયુતિના અન્ય ભાગીદાર પક્ષો શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ)નું બાર્ગેનિંગ વધવાના એંધાણ મંગળવારે મળ્યા હતા. એનસીપી દ્વારા લોકસભાની ચૂંટણીમાં શિંદે જૂથને આપવામાં આવે એટલી જ બેઠકો આપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. મંગળવારે દેવગીરી બંગલા પર આયોજિત એક બેઠકમાં આ માગણી ઉચ્ચારવામાં આવી હતી.

રાજ્યની સત્તામાં સમાન ભાગીદારી ધરાવતા અજિત પવારના જૂથે લોકસભાની ચૂંટણીમાં પણ સમાન ભાગીદારી માગીને શિંદે જૂથની સાથે જ ભાજપની હાલત પણ કફોડી કરી છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે શિંદે જૂથના વર્તમાન સંસદસભ્યો અને અજિત પવાર જૂથના વર્તમાન સંસદસભ્યો અને ભાજપના વર્તમાન સંસદસભ્યોને ફરી મેદાનમાં ઉતારવામાં આવશે. આ ઉપરાંત શિંદે જૂથને અવિભાજિત શિવસેના દ્વારા જીતવામાં આવેલી બેઠકો પર હજી પણ શિંદે જૂથનું પ્રભુત્વ હોય તો તેમને આપવી એવો વિચાર થઈ રહ્યો હતો. આવી જ રીતે અવિભાજિત એનસીપીના કબજામાં રહેલી બેઠકો પર ક્ષમતાને આધારે ભાજપ અથવા તો અજિત પવાર જૂથને ઉમેદવારી આપવાનું વિચારવામાં આવ્યું હતું. અત્યારે અવિભાજિત એનસીપીના ફક્ત ચાર સંસદસભ્ય છે અને અવિભાજિત શિવસેનાના 18માંથી શિંદે જૂથના 13 સંસદસભ્ય ભાજપની સાથે છે. આવી સ્થિતિમાં અજિત પવારના જૂથ દ્વારા સમાન ભાગીદારી માગવામાં આવે તો ભાજપની સમસ્યામાં વધારો થઈ શકે છે.

બંનેના સમાન વિધાનસભ્યો હોવાથી સમાન તક મળવી જોઈએ: ભુુજબળ

મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં ભાગીદાર ત્રણ પક્ષમાં એકનાથ શિંદે જૂથના અને અજિત પવારના વિધાનસભ્યોની સમાન સંખ્યા છે. આ રીતે જોવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરતી વખતે પણ બંનેને સમાન ન્યાય મળવો જોઈએ. અમારા નેતા અજિત પવાર સમક્ષ અમે આ માગણી રજૂ કરી છે.

અમે સુખેથી લડતા રહીશું: વિજય વડેટ્ટીવાર

મહાયુુતિમાં થઈ રહેલી રસ્સીખેંચ પર પોતાનો મત વ્યક્ત કરતાં વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે બેઈમાની કરીને સત્તા મેળવનારાને ઓરિજિનલ આનંદ મળે છે કે નહીં તે તેમને જ પુછી જૂઓ. અન્યના પક્ષ અને ઘર તોડનારાને આસુરી આનંદ મળી રહ્યો હોય તો તે તેમને જ મુબારક છે. એક કહેવત છે કે નાંદા સૌખ્યભરે (સુખેથી જીવન સાથે વિતાવો) તેને સુધારીને કહેવા માગીશ કે આ લોકો માટે ભાંડા સૌખ્યભરે (સુખેથી લડતા રહો) જેવી સ્થિતિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button