
થાણે: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં 74 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને તેની પાસેથી 95 લાખ પડાવનારા બે ભાઇને મીરા રોડથી પકડી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓની ઓળખ મોહંમદ ઇકબાલ બાલાસાહેબ (47) અને શાઇન ઇકબાલ બાલાસાહેબ (41) તરીકે થઇ હતી. તેમને બાદમાં વધુ તપાસ માટે લખનઊ ક્રાઇમ બ્રાન્ચને હવાલે કરાયા હતા. બંને સામે 8 એપ્રિલ, 2025ના રોજ ગુનો દાખલ કરાયો હતો, એમ મીરા-ભાયંદર વસઇ-વિરારના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) મદન બલ્લાળે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે મુંબઈની મહિલા સાથે થઈ રૂ. 56 લાખની લૂંટ, લખનઉથી ઝડપાઈ નકલી CBI ઓફિસરની ગેંગ…
બંને ભાઇએ 74 વર્ષના વૃદ્ધનો સંપર્ક સાધ્યો હતો અને બાદમાં તેને ડિજિટલ અરેસ્ટમાં રાખી 95 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરાયો હતો અને લખનઊ પોલીસ બંને ભાઇની શોધ ચલાવી રહી હતી.
દરમિયાન ફરાર આરોપીઓ મીરા રોડમાં આવીને છુપાયા હોવાની માહિતી મળતાં પીઆઇ સુનીલ સિંહની આગેવાની હેઠળ લખનઊ સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓ સાથે 24 જુલાઇના રોજ જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બોલો! હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજની ‘ડિજિટલ અરેસ્ટ’ કરી બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ
બંને ભાઇ વિરુદ્ધ લખનઊમાં ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે, એમ બલ્લાળે જણાવ્યું હતું.
(પીટીઆઇ)