આમચી મુંબઈ

દિવાળીમાં કમોસમી વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ ગયેલા મુંબઈગરા આતૂરતાપૂર્વક ઠંડીની રાહ છે ત્યારે બુધવારે સાંજે મુંબઈમાં અચાનક કમોસમી વરસાદના ઝાપટાં પડી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. બરોબર દિવાળીના સમયમાં આવી પડેલા વરસાદથી ખરીદી કરવા નીકળેલા લોકોને ભીંજાવું પડ્યું હતું. રાજ્યમાં પણ અનેક જિલ્લામાં બપોર બાદ વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન ખાતાએ આગા મી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં બુધવારે વરસાદે હાજરી પૂરાવી હતી. મુંબઈ સહિત કોલ્હાપૂર, સાંગલી, સોલાપૂર, પુણે, સતારા, અહમદનગર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, ધારાશિવ, બીડ, લાતુર અને નાંદેડ જિલ્લાના જુદા
જુદા વિસ્તારમાં વરસાદ પડયો હતો.

મુંબઈમાં બુધવારે આખો દિવસ વાદળિયો રહ્યો હતો અને સાંજ સવા પાંચ વાગ્યાની આસપાસ અચાનક વરસાદ ચાલું થયો હતો. જોકે વરસાદનું જોર હળવો જ રહ્યો હતો. ૧૫થી ૨૦ મિનિટ પડ્યા બાદ વરસાદ જોકે થંભી ગયો હતો. અચાનક આવી પડેલા વરસાદને કારણે જોકે ઓફિસેથી ઘરે પાછા ફરી રહેલા નોકરિયાત વર્ગને ભીંજાવું પડ્યું હતું. તો દિવાળીની ખરીદી માટે બહાર નીકળેલા લોકોને પણ ભીંજાવું પડ્યું હતું.

હવામાન ખાતાના કહેવા મુજબ અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય માં વાવાઝોડાનું રૂપાંતર લો પ્રેશરમાં થયું છે, તે પશ્ર્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ પરીબળની અસરથી અગ્નિ દિશામાં પવનો મહારાષ્ટ્રમાં ભરપૂર ભેજ ઠાલવી રહ્યા છે. બદલાયેલા કુદરતી પરીબળની અસરથી મુંબઈ સહિત કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં આવતા ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કડકડતી ઠંડી પડતી હોય છે. જોકે વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે હાલ વરસાદી માહોલ સર્જાયો છે. બુધવારના હળવા સ્વરૂપના પડેલા વરસાદને કારણે જુવાર સહિતના રવિ પાકને ફાયદો થશે. તો દ્રાક્ષ સહિતના ઉત્પાદનને જોકે નુકસાન થવાનો ભય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button