અનોખી અનુષ્કા શર્માઃ પહેલાં ધોકાથી, પછી પ્લાસ્ટિકના બૅટથી અને ત્યાર બાદ લાકડાંના બૅટથી રમી

નવી મુંબઈઃ વર્ષોથી સિનેમાજગતની અભિનેત્રી અને ક્રિકેટમાં (વિરાટ કોહલીની પત્ની) અનુષ્કા શર્મા (Anushka Sharma) જ ચર્ચામાં રહી છે, પરંતુ હવે બીજી અનુષ્કા શર્મા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઊભરી છે જેના વિશેની ઑફ-બીટ અને ક્રિકેટના ક્રેઝની વાતો જાણવા જેવી છે.
વર્લ્ડ નંબર-વન સાથે રમવા તક મળી
બાવીસ વર્ષની અનુષ્કા બ્રિજમોહન શર્મા ઑલરાઉન્ડર છે. તે રાઇટ-હૅન્ડ બૅટર અને રાઇટ-આર્મ ઑફબે્રક સ્પેશ્યાલિસ્ટ છે. મૂળ મધ્ય પ્રદેશ (MP)ની અનુષ્કા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો બહુ જ ઓછો અનુભવ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં તે આ વખતે પહેલી જ વખત રમી રહી છે. તે ગુજરાત જાયન્ટ્સ (GG) વતી બે મૅચ રમી છે જેમાં તેણે અનુક્રમે 44 અને 13 રન કર્યા છે. બન્ને મૅચમાં ગુજરાતનો વિજય થયો છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત વતી રમીને તેને મહિલા વન-ડેની વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર ઑસ્ટ્રેલિયાની ઍશ્લેઇ ગાર્ડનર સાથે રમવાનો સુવર્ણ મોકો મળ્યો છે.
અનુષ્કા વિશે જાણવા જેવું…
ગ્વાલિયરમાં જન્મેલી અનુષ્કા શર્મા એક મુલાકાતમાં કહે છે કે તેને બૅટિંગ કરવી ખૂબ ગમે છે અને તેને માત્ર જીતવામાં રસ હોય છે. મધ્ય પ્રદેશ ક્રિકેટમાં વય-આધારિત ટીમોની તેમ જ બીસીસીઆઇ દ્વારા આયોજિત ચૅલેન્જર ટ્રોફીમાં કૅપ્ટન્સી સંભાળી ચૂકેલી અનુષ્કા ફિઝિકલ એજ્યૂકેશન ઍન્ડ સ્પોર્ટ્સમાં બૅચલર્સ ડિગ્રી મેળવી રહી છે અને તે ત્રીજા વર્ષમાં ભણી રહી છે. તે નાની હતી ત્યારે મધ્ય પ્રદેશમાં પોતાના જિલ્લાના સ્થાનિક વિસ્તારોમાં પોતાનાથી મોટી ઉંમરના છોકરાઓ સાથે ક્રિકેટ રમવા પહોંચી જતી હતી. જોકે તેને જોઈએ એવું બૅટ તેની પાસે નહોતું મળતું એટલે તે ઘરમાં કપડાં ધોવા માટે વપરાતો ધોકો લઈને મેદાન પર પહોંચી જતી હતી. ત્યાર બાદ તેના પપ્પાએ તેને પ્લાસ્ટિકનું બૅટ લઈ આપ્યું હતું અને તેની બૅટિંગથી પ્રભાવિત થઈને તેમણે તેને લાકડાંનું બૅટ લઈ આપ્યું હતું. તેના મોટા ભાઈને પણ બૅટિંગ કરવાનો ખૂબ શોખ હતો એટલે પોતે બૅટિંગ કરવા પાસે અનુષ્કા પાસે બોલિંગ કરાવતો હતો. એ રીતે અનુષ્કા ઑફ-સ્પિન બોલિંગમાં પણ માહિર થતી ગઈ હતી.
ક્રિકેટે સ્કૂલમાંથી છૂટકારો અપાવ્યો
અનુષ્કા શર્માની બૅટિંગ-બોલિંગથી પ્રભાવિત થઈને ગ્વાલિયર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિયેશને તેને અન્ડર-16 ગર્લ્સ ટીમ માટે ટ્રાયલ માટે બોલાવી ત્યારે તે ખુશ થઈ ગઈ હતી અને મિત્રને કહેલું, ` બઢિયા, ક્યૂં કી સ્કૂલ સે છુટ્ટી તો હો જાયેગી.’ અનુષ્કા ત્યારે પહેલી વાર છોકરીઓની ટીમમાં રમી હતી. તે ડબ્લ્યૂપીએલના ટોચના મંચ પર આવતાં પહેલાં ગ્વાલિયરમાં પ્રૅક્ટિસ દરમ્યાન દરરોજ 500થી 600 બૉલનો સામનો કરતી હતી અને બોલિંગમાં સુધારો લાવવા અઠવાડિયાના બેથી ત્રણ દિવસ મેદાન પર આવીને કોચિંગ લેતી હતી.
આપણ વાંચો: અકરમે પાકિસ્તાનના `મિસ્ટરી સ્પિનર’ પરથી પડદો હટાવ્યોઃ ભારતને કેમ આ બોલર ભારે પડી શકે?



