કેન્દ્રીય બજેટમાંથી મહારાષ્ટ્ર રેલવેને કેટલી થઈ ફાળવણી, જાણો એક જ ક્લિકમાં…

મુંબઈ-પુણે બુલેટ ટ્રેન, અમૃત સ્ટેશન યોજના અને મેટ્રો પ્રોજેક્ટ્સ માટે મોટી જોગવાઈ
મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતા લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ સેક્ટરમાં કુલ રુપિયા 53.5 લાખ કરોડની જોગવાઈ કરી હતી, જેમાં રેલવેને 2,78,030 કરોડની ફાળવણી કરી હતી. એની સાથે દેશમાં સાત હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી હતી. આજે રેલવે મંત્રાલયે રાજ્યવાર ફાળવણીની જાહેરાત કરી હતી, જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા પ્રોજેક્ટ્સના વિકાસ માટે અંદાજે ₹ 23,926 કરોડ ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય પ્રોજેક્ટ્સ અને તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. નવા પ્રોજેક્ટ્સમાં ખાસ કરીને મહારાષ્ટ્રને બે નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સ માટે મંજૂરી મળી છે: મુંબઈ-પુણે અને પુણે-હૈદરાબાદ કોરિડોરનો સમાવેશ થાય છે. રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્યમાં 1,70,058 કરોડના વિવિધ કામ પ્રગતિના પંથે છે, જેમાં નવી રેલવે લાઈન નાખવાની સાથે, સ્ટેશન ડેવલપમેન્ટ અને સેફ્ટી સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે.
સ્ટેશન રિડેવલપમેન્ટ માટે મહત્ત્વની કામગીરી
અમૃત સ્ટેશન યોજના અન્વયે મહારાષ્ટ્રમાં 132 સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે, જેમાં લગભગ 5,675 કરોડનું રોકાણ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અમૃત સ્ટેશનની યોજના અન્વયે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં પહેલા ફેઝમાં 17 સ્ટેશનના કામ પૂરા કરવામાં આવ્યા છે, જેમાં દેવલાલી, પરેલ, ધુળે, વડાલા રોડ, માટુંગાનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં મલેશિયા કરતા સૌથી વધુ નેટવર્કનું નિર્માણ
મહારાષ્ટ્રમાં પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને પ્રીમિયમ ટ્રેનની ફાળવણી પણ વધારે કરવામાં આવી રહી છે, જેમાં હાલમાં 12 વંદે ભારત ટ્રેન ઓપરેશનમાં છે, જ્યારે પાંચ જોડી અમૃત ભારત એક્સપ્રેસ પણ છે. રેલવે ટ્રેક નાખવાની સાથે ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ મોટા પાયે પાર પાડવામાં આવ્યું છે, જેમાં 2014થી અત્યાર સુધીમાં લગભગ 2,400 કિલોમીટરના ટ્રેકનું નિર્માણ કર્યું છે, જે મલયેશિયા નેટવર્ક કરતા વધુ છે. ઉપરાંત, 3,744 કિલોમીટરમાં ઈલેક્ટ્રિફિકેશનનું કામકાજ સંપન્ન કર્યું છે. રાજ્યમાં 1,200થી વધુ ફ્લાયઓવર અને અન્ડરબ્રિજનું કામ પણ પૂરું કર્યું છે.
આ પણ વાંચો…હાઈ સ્પીડ રેલ કોરિડોરથી જોડાશે મુંબઈ સહિત 50 શહેરો, જાણો રેલવેનો વિસ્તૃત રિપોર્ટ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે કેટલી ફાળવણી
હાલના તબક્કે હાઈ-સ્પીડ કોરિડોર પૈકી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કોરિડોર માટે ₹ 6,103 કરોડની મોટી રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, શહેરી પરિવહન (Urban Transit)માં ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટ્સમાં પણ મહત્વનું રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈ મેટ્રો માટે ₹ 1,702 કરોડ અને પુણે મેટ્રો માટે ₹ 517 કરોડ ફાળવાયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ સુધારણા તેમ જ અન્ય મુખ્ય ફાળવણીઓમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) ફેઝ III માટે ₹ 462 કરોડ અને મહામાર્ગ માટે ₹ 680 કરોડનો સમાવેશ થાય છે.



