દર્દી સાજો થયા પછી પણ હોસ્પિટલમાં રાખવાની બાબત દુર્ભાગ્યપૂર્ણ; હાઇ કોર્ટની ટકોર

મુંબઈઃ કોઈ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા પછી પણ તેને હોસ્પિટલમાં રાખવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, એવી ટિપ્પણી હાઈ કોર્ટે કરી હતી. થાણે સ્થિત મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ મહિલાની બહેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટનું આ અવલોકન આવી પડયું હતું.
કેસની વિગત મુજબ પીડિત મહિલાના લગ્ન ૨૦૦૯માં થયા હતા. ત્યાર પછી તેના પતિએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. મહિલાએ ઓક્ટોબર ૨૦૨૨માં તેના પતિ અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે યાચિકાકર્તાએ પાંચમી મેના રોજ બહેનની મુલાકાત લીધી ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતી.
જો કે, અમને જાણવા મળ્યું કે તેને નવમી મેના રોજ માનસિક રોગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પતિએ તેર વર્ષના હાયપરએક્ટિવ બાળકની મેડિકલ તપાસ કરાવવાના બહાને બહેનને માનસિક હોસ્પિટલમાં દાખલ કરી હતી.
અરજદારની બહેન સ્વસ્થ થઈ ગઈ છે અને હોસ્પિટલ પ્રશાસને તેમને ડિસ્ચાર્જ લેટર જારી કર્યો છે. પરંતુ સરકારી વકીલ પ્રાજક્તા શિંદેએ કોર્ટને જણાવ્યું કે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરનાર વ્યક્તિની હાજરીમાં જ તેને ઘરે છોડવામાં આવશે. આ બાબતની નોંધ લેતા કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યારે મહિલાને રજા આપવામાં આવે ત્યારે તેના પતિએ હોસ્પિટલમાં હાજર રહેવું જોઈએ. ઉપરાંત, કોર્ટે સમજાવ્યું કે પોલીસ પણ આ તમામ પ્રક્રિયાઓ પર નજર રાખશે.
કોર્ટે આદેશમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે હોસ્પિટલ પ્રશાસને મહિલાની વર્તમાન માનસિક સ્થિતિ વિશે પતિ અને બહેનને જાણ કરવી જોઈએ અને તેની સંભાળ કેવી રીતે રાખવી તે અંગેના નિર્દેશો આપવા જોઈએ.